Amit Shah Plan B: ભાજપ લોકસભા ચૂંટણી 2024માં 'અબકી બાર, 400 પાર' ના નારા સાથે મેદાનમાં ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી શરૂ કરીને, પાર્ટીના તમામ મોટા નેતાઓ એનડીએ માટે 400 થી વધુ બેઠકો અને એકલા ભાજપ માટે 370 બેઠકોનો દાવો કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ને પૂછવામાં આવ્યું કે, જો ભાજપ બહુમતીનો આંકડો પાર કરવામાં સક્ષમ ન હોય તો પાર્ટીનો પ્લાન B શું હશે? અમિત શાહે રસપ્રદ જવાબ આપતા કહ્યું કે, 'જ્યારે પ્લાન A સફળ થવાની સંભાવના 60%થી ઓછી હોય ત્યારે પ્લાન B બનાવવાની જરૂર પડે છે. ખાતરી છે કે પીએમ મોદી જંગી બહુમતી સાથે ફરી સત્તામાં આવશે.'
વિપક્ષી નેતાઓ રેલીઓમાં સતત આરોપ લગાવી રહ્યા છે કે જો NDA 400થી વધુ સીટો જીતશે તો તે બંધારણમાં ફેરફાર કરશે. જ્યારે અમિત શાહને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારી પાસે છેલ્લા 10 વર્ષથી બંધારણ બદલવાની બહુમતી હતી પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી.
તેમણે વધુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુમતનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય અમિત શાહે દિલ્હીમાં દારૂ કૌભાંડને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ જ્યાં પણ જશે ત્યાં લોકોને દારૂ કૌભાંડ યાદ આવશે.
