India First LNG Train: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રવિવારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી દેશની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ સાથે તેઓ ભારતીય રેલવેના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ માટે સાબરમતી સ્ટેશન પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રોગ્રામ દરમિયાન કેન્દ્રીય મંત્રી રેલવે લોકોમોટિવ એન્જિનોની જાળવણી માટે ખાસ સ્થાપિત કરવામાં આવેલા અધ્યતન WAG-12 મેન્ટેનન્સ શેડનું પણ શુભારંભ કરશે.
એક એન્જિન, બે ઈંધણ: ટેક્નોલોજીની અદ્ભુત ક્ષમતા
આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ટ્રેનના ડ્રાઇવિંગ પાવર કાર (DPC) માં LNG-આધારિત ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીની મુખ્ય વિશેષતા એ છે કે એક જ એન્જિન જરૂરિયાત મુજબ LNG અને ડીઝલ એમ બંને પ્રકારના ઇંધણ પર ચાલી શકે છે.
રેલવે દ્વારા 1,400 હોર્સપાવર (HP) ની એન્જિન ક્ષમતા ધરાવતા બે DPC ને સફળતાપૂર્વક LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આ નવા એન્જિનો માટે 2,000 કિલોમીટરથી વધુના કઠિન ક્ષેત્રીય પરીક્ષણો (ફિલ્ડ ટ્રાયલ્સ) પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં ટેક્નોલોજીની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા ઉત્કૃષ્ટ સાબિત થઈ છે.
પર્યાવરણ રક્ષણ અને મોટી આર્થિક બચત
પરંપરાગત ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા, સંચાલન ખર્ચ ઓછો કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ભારતીય રેલવેનું આ મહત્વનું પગલું છે.
- ઈંધણ ટાંકીની ક્ષમતા: એન્જિનમાં 2,200 લિટર ક્ષમતા ધરાવતી વિશેષ LNG ટાંકી બેસાડવામાં આવી છે, જેમાં 950 થી 1,000 કિલોગ્રામ ઉપયોગી LNG સમાવી શકાય છે.
- માઇલેજ રેન્જ: ટાંકી એકવાર ફુલ કરવાથી આ ટ્રેન 444 કિલોમીટર સુધીનું અંતર સરળતાથી કાપી શકશે.
- ખર્ચમાં બચત: પ્રાથમિક અંદાજ મુજબ, આ ટેક્નોલોજીથી વાર્ષિક અંદાજે 23.9 લાખની ઈંધણ બચત થશે.
- પ્રદૂષણમાં ઘટાડો: LNGના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ (CO2), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને રજકણો (Particulate Matter) નું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટશે.
હરિત અને સ્વચ્છ ઊર્જા તરફ ભારતીય રેલવેના આ ક્રાંતિકારી પ્રયોગથી ભવિષ્યમાં ટ્રેન પરિવહન વધુ પર્યાવરણપ્રેમી અને કરકસરયુક્ત બનશે.
