Amarnath Yatra 2026: વર્ષ 2026ની પવિત્ર અમરનાથ યાત્રા આગામી 3 જુલાઈ, 2026થી શરૂ થવા જઈ રહી છે અને તેનું સમાપન 28 ઓગસ્ટ, 2026ના રોજ થશે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ખૂબ જ વિશેષ અને પવિત્ર મહત્વ છે. જો કે, આ યાત્રા જેટલી ભક્તિમય છે, તેટલી જ તે કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને બદલાતા હવામાનને કારણે પડકારજનક પણ છે. તેથી, જો તમે આ વર્ષે અમરનાથ જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે કઈ વસ્તુઓ પેક કરવી અને કઈ વસ્તુઓ ઘરે મૂકીને જવી, તેની સંપૂર્ણ માહિતી જાણો.
યાત્રા દરમિયાન સાથે રાખવાની જરૂરી સામગ્રી
પહાડી વિસ્તારોમાં ઊંચાઈના કારણે ઓક્સિજનની કમી, ઉબકા, ઉલટી, માથાનો દુખાવો કે તાવ જેવી સમસ્યાઓ સામાન્ય છે, તેથી ડૉક્ટરની સલાહ મુજબની જરૂરી દવાઓ અને પેઈન કિલર સ્પ્રે કે બેન્ડેજ વાળી ફર્સ્ટ એઇડ કીટ અચૂક સાથે રાખવી. અમરનાથમાં ગમે ત્યારે હવામાન બદલાઈ જાય છે અને અચાનક ભારે ઠંડી કે વરસાદ પડી શકે છે, જેથી થર્મલ ઈનરવેર, સ્વેટર, જેકેટ, ઉનના મોજાં, સારો રેઈનકોટ અને છત્રી સાથે રાખવા ખૂબ જ જરૂરી છે. મુસાફરીના પથરાળ રસ્તાઓ માટે મજબૂત અને વોટરપ્રૂફ શૂઝ જ પહેરવા જોઈએ.
આ ઉપરાંત, પહાડો પરના તીવ્ર સૂર્યપ્રકાશ અને ઠંડા પવનોથી ત્વચા તેમજ આંખોને બચાવવા માટે સનસ્ક્રીન લોશન, મોઇશ્ચરાઇઝર અને સનગ્લાસનો ઉપયોગ કરવો હિતાવહ છે. રાત્રિના સમયે રસ્તો જોવા માટે હેડલેમ્પ અથવા ટોર્ચ તેમજ ચઢાણ વખતે શરીરનું સંતુલન જાળવવા ટ્રેકિંગ સ્ટીક ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમારા મોબાઈલ અને કિંમતી સાધનોને પાણીથી બચાવવા વોટરપ્રૂફ કવર સાથે રાખવા. સૌથી મહત્વની વાત એ છે કે, સુરક્ષા ચોકીઓ પર ચેકિંગ માટે તમારો અસલી ઓળખ પુરાવો આધાર કાર્ડ અથવા વોટર આઈડી, પ્રવાસ પરમિટ અને મેડિકલ સર્ટિફિકેટ જેવા અનિવાર્ય દસ્તાવેજો એક વોટરપ્રૂફ બેગમાં સુરક્ષિત રીતે સાથે રાખવા.
યાત્રા દરમિયાન શું સાથે ન લઈ જવું?
અમરનાથની કઠિન ચઢાઈ દરમિયાન તમારી પાસે જેટલો ઓછો સામાન હશે, એટલી જ તમારી મુસાફરી સરળ બનશે. તેથી યાત્રા દરમિયાન બિનજરૂરી કપડાં કે ભારે વસ્તુઓ લેવાનું ટાળવું અને માત્ર પીઠ પર સરળતાથી ઊંચકી શકાય તેવી હલકી બેગ જ પેક કરવી. ભીડભાડ વાળા વિસ્તારમાં કિંમતી દાગીના, સોના-ચાંદીની વસ્તુઓ કે વધુ પડતી રોકડ રકમ ખોવાઈ જવાનો ભય રહે છે, તેથી આવી મોંઘી વસ્તુઓ ઘરે જ મૂકીને જવું વધુ હિતાવહ છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ પણ સાથે ન રાખવી. પૂરતી પૂર્વતૈયારી અને સાવચેતી સાથે રાખેલી સામગ્રી તમારી આ ધાર્મિક સફરને મંગલમય અને યાદગાર બનાવશે.
