Waqf Land: આસામ નેતા અને AIDUF ચીફ મૌલાના બદરુદ્દીન અજમલનો મોટો દાવો- કહ્યું 'નવી સંસદની ઈમારત વકફની જમીન પર બની છે'

સરકારે વકફની તમામ જમીન મુસ્લિમોને સોંપી દેવી જોઈએ. જો સરકાર આ જમીન અમને આપી દેશે, તો મુસ્લિમ સમાજ માટે શિક્ષણ, હેલ્થ અને અનાથાશ્રમ જેવી વ્યવસ્થા અમે ખુદ ઉભી કરી દઈશું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Oct 2024 10:01 PM (IST)Updated: Wed, 16 Oct 2024 10:01 PM (IST)
aiudf-chief-maulana-badruddin-ajmal-claim-new-parliament-on-waqf-land

Waqf Land: વકફ બિલને લઈને અત્યારે દેશમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બરાબરની ખેંચતાણ ચાલી રહી છે. એવામાં ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના અધ્યક્ષ અને આસામની જમિયત ઉલેમાના પ્રમુખ મૌલાના બદરુદ્દીન અજમલે ભારતની નવી સંસદની ઈમારત વકફની જમીન પર બનેલી હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે.

મૌલાના બદરુદ્દીન અજમલે વકફ બિલનો વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું કે, દેશની નવી સંસદની બિલ્ડિંગ ઉપરાંત તેની આસપાસના વિસ્તાર તેમજ વસંત વિહારથી લઈને એરપોર્ટ પણ વકફની જમીન પર બનેલા છે. વિશ્વભરમાં વકફની સંપતીની યાદી આવી હઈ છે, જેની પુષ્ટિ કરી શકાય છે.

વધુમાં મૌલાનાએ જણાવ્યું કે, તમામ ધર્મનિરપેક્ષ રાજકીય પાર્ટીઓએ આ બિલની સમીક્ષા માટે રચવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો બહિષ્કાર કર્યો છે. ભારતભરમાંથી 5 કરોડ લોકોએ JPCને સંદેશો મોકલીને આ બિલનો વિરોધ કરવા માટે અપીલ કરી છે. જેનાથી ખ્યાલ આવે છે કે, વકફ બિલને લઈને લોકોમાં કેટલી નારાજગી છે.

આસામમાં પણ જમિયત ઉલેમા-એ-હિન્દ વકફ બોર્ડની જમીનોનો સર્વે કરશે. જે બાદ આ બિલને પડકારવામાં આવશે. બદરુદ્દિને દાવો કરતા જણાવ્યું કે, સંસદની નવી ઈમારત પણ વકફની જમીન પર બનેલી છે. જેને લઈને કાયદાકીય લડત ચાલુ જ રહેશે.

આ તકે મૌલાના બદરુદ્દીન અજમલે વકફની જમીનો મુસ્લિમ સમાજને પરત સોંપવાની માંગ કરતા જણાવ્યું કે, સરકારે વકફની તમામ જમીન મુસ્લિમોને સોંપી દેવી જોઈએ. જો સરકાર આ જમીન અમને આપી દેશે, તો મુસ્લિમ સમાજ માટે શિક્ષણ, હેલ્થ અને અનાથાશ્રમ જેવી વ્યવસ્થા અમે ખુદ ઉભી કરી દઈશું. જેના માટે અમારે સરકારનો કોઈ ઉપકાર નથી જોઈતો.