Dahod: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દૂધ સંજીવનીના ટેમ્પાએ અડફેટમાં લેતા ઘર આંગણે રમી રહેલા બે વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શંકરપુરા ગામમાં રહેતો રુદ્રાક્ષ મિનેશ ડામોર નામનો 2 વર્ષ ચાર મહિનાનો બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. આ સમયે પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવા આવતા છોટા હાથી ટેમ્પાના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારીને રુદ્રાક્ષને અડફેટમાં લીધો હતો. જેથી ગંભીર ઈજાગ્રસ્ત રુદ્રાક્ષને તાત્કાલિક સારવાર અર્થે ઝાલોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ રૂદ્રાક્ષને મૃત જાહેર કર્યો હતો.
રૂદ્રાક્ષના પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો દ્વારા તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. આથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારીના ભાગરૂપે શંકરપુરા ગામે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના પટેલ ફળિયામાં સામે આવ્યો છે. જેમાં ટેમ્પા ચાલકે રોડની સાઈડમાં કુદરતી હાજતે જતી બે બાળકીઓને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં 9 વર્ષીય રીના નામની બાળકીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે સેજલ નામની બીજી બાળકી ઈજાગ્રસ્ત થઈ છે.
આ ઘટનાની જાણ થતાં ધાનપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ઈજાગ્રસ્ત સેજલને સારવાર અર્થે ધાનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે મૃતક રીનાની લાશનું પંચનામું કરીે તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. જ્યારે અકસ્માત સર્જનાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
