મહારાષ્ટ્રના બારામતીમાં ફરી વિમાન દુર્ઘટના: એ જ સ્થળે ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું જ્યાં અજિત પવારનું વિમાન પડ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8:50 વાગ્યે બની હતી. રેડબર્ડ એવિએશનનું આ તાલીમ વિમાન નિયમિત ઉડાન પર હતું, ત્યારે અચાનક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 13 May 2026 10:59 AM (IST)Updated: Wed, 13 May 2026 11:03 AM (IST)
aircraft-crashes-again-in-baramati-maharashtra-this-is-the-same-spot-where-ajit-pawars-plane-went-down

Aircraft Crashes in Baramati: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી તાલુકામાંથી ફરી એકવાર વિમાન દુર્ઘટનાના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બારામતીના ગોજુબાવી ગામમાં તાલીમ હેતુ માટે ઉપયોગમાં લેવાતું 'રેડબર્ડ એવિએશન' કંપનીનું બે સીટવાળું વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં પાયલોટનો જીવ બચી ગયો છે અને કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. જોકે, આ એ જ સ્થળ છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

એન્જિનમાં ખામી અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટક્કર

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8:50 વાગ્યે બની હતી. રેડબર્ડ એવિએશનનું આ તાલીમ વિમાન નિયમિત ઉડાન પર હતું, ત્યારે અચાનક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાન ઓછી ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે પાયલોટે પરિસ્થિતિ પારખીને વિમાનને ખેતરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ક્રેશ લેન્ડિંગ દરમિયાન વિમાનનો એક ભાગ નજીકના ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાયો હતો અને ત્યારબાદ વિમાન જોરદાર અવાજ સાથે જમીન પર પટકાયું હતું. વિમાનમાં માત્ર એક જ તાલીમાર્થી પાયલોટ સવાર હતો. હાર્ડ લેન્ડિંગ હોવા છતાં, પાયલોટને કોઈ ગંભીર ઈજા થઈ નથી, જે એક મોટો ચમત્કાર માનવામાં આવે છે.

પોલીસની કાર્યવાહી શરુ કરાઇ

પુણે ગ્રામીણ પોલીસના પોલીસ અધિક્ષક (SP) સંદીપ સિંહ ગિલે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, "ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ગોજુબાવી ગામ પહોંચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાનમાં ટેકનિકલ ખામી દેખાઈ રહી હતી. પાઇલટની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. હાલ વિમાનને સુરક્ષિત ઘેરાબંધીમાં લેવામાં આવ્યું છે અને એવિએશન ઓથોરિટીને આ અંગે જાણ કરવામાં આવી છે."

અજિત પવારની દુર્ઘટનાની યાદ તાજી થઈ

બારામતીમાં આ વર્ષે બનેલી આ બીજી મોટી વિમાન દુર્ઘટના છે. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી મહિનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ બારામતીમાં જ ક્રેશ થયું હતું, જેમાં તેમનું નિધન થયું હતું. એ જ ભયાનક સ્થળે ફરીથી વિમાન પડવાની ઘટનાએ સુરક્ષા પ્રોટોકોલ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. વારંવાર એક જ વિસ્તારમાં વિમાન દુર્ઘટનાઓ થવી એ કોઈ ટેકનિકલ ખામી છે કે પછી એરફિલ્ડના નિયમોમાં ચૂક, તે હવે તપાસનો વિષય બન્યો છે.

સુરક્ષા પ્રોટોકોલ પર સવાલો ઉભા થયા

બારામતી એરફિલ્ડ નજીક ખાનગી એવિએશન એકેડમીઓ દ્વારા તાલીમ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી તાલીમ વિમાનોમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર તાલીમાર્થી પાયલોટોની સુરક્ષા અને વિમાનોના મેન્ટેનન્સ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સિવિલ એવિએશન વિભાગ (DGCA) દ્વારા આ ઘટનાની ઉંડી તપાસ કરવામાં આવશે તેવી શક્યતા છે.

હાલમાં, ગોજુબાવી ગામના જે ખેતરમાં વિમાન પટકાયું છે ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પોલીસ અને ટેકનિકલ ટીમો એન્જિન ફેલ થવાના ચોક્કસ કારણો શોધી રહી છે.