બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનનું ટેલસ્ટ્રાઈક; લેન્ડિંગ વખતે રનવે સાથે અથડાયો પાછળનો ભાગ, તમામ મુસાફરો સુરક્ષિત

બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2651નું ટેલસ્ટ્રાઈક થયું છે. દિલ્હી-બેંગલુરુ એરબસ A320 રનવે પર અથડાયા બાદ ગ્રાઉન્ડેડ કરાયું. જાણો શું છે ટેલસ્ટ્રાઈક

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 21 May 2026 05:38 PM (IST)Updated: Thu, 21 May 2026 05:38 PM (IST)
air-india-plane-suffers-tail-strike-at-bengaluru-airport-rear-part-hits-runway-while-landing-all-passengers-safe
(AI-Geminiની મદદથી ઇમેજ તૈયાર કરાઈ છે)

A320 Airbus Aviation News: કર્ણાટકના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (બેંગલુરુ એરપોર્ટ) પર એક મોટી વિમાની દુર્ઘટના ટળી છે. દિલ્હીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એવિયેશનની ભાષામાં આ ઘટનાને 'ટેલસ્ટ્રાઈક' (Tailstrike) કહેવામાં આવે છે. સદનસીબે, આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગુરુવારે દિલ્હીથી ઉડાન ભરીને બેંગલુરુ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2651 જ્યારે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તેનો પાછળનો ભાગ રનવેની સપાટી સાથે ઘસડાયો હતો. આ ઘટના બાદ એરપોર્ટ પર થોડો સમય માટે દોડધામ મચી ગઈ હતી. જોકે, પાયલટે ભારે સુઝબુઝ દાખવીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર સ્થિર કર્યું હતું. વિમાન થોભ્યા બાદ તમામ મુસાફરોને સામાન્ય પ્રક્રિયા હેઠળ એરક્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

શા માટે થઈ આ ઘટના?

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જે સમયે એર ઈન્ડિયાનું આ એરબસ વિમાન લેન્ડિંગ માટે ફાઈનલ એપ્રોચ પર હતું, તેના થોડા સમય પહેલા જ રનવે પરથી એક વિશાળકાય બોઈંગ 747 (Boeing 747) વિમાને ટેકઓફ કર્યું હતું. બોઈંગ 747ના શક્તિશાળી એન્જિનોને કારણે હવામાં ભારે વેક ટર્બ્યુલન્સ સર્જાયું હતું.

આ અસ્થિર વાતાવરણને કારણે પાયલટે સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને લેન્ડિંગ કેન્સલ કરીને વિમાનને ફરી હવામાં લઈ જવાનો (Go-Around) નિર્ણય કર્યો હતો. પરંતુ આ 'ગો-અરાઉન્ડ' પ્રક્રિયા દરમિયાન એરક્રાફ્ટનો પાછળનો હિસ્સો રનવે સાથે ટકરાઈ ગયો હતો.

એર ઈન્ડિયાનું વિમાન ગ્રાઉન્ડેડ, પરત જતી ફ્લાઈટ રદ

આ ઘટનાનો ભોગ બનેલું વિમાન એરબસ A320 સીરીઝનું નેરો-બોડી એરક્રાફ્ટ છે. ટેલસ્ટ્રાઈક બાદ વિમાનની માળખાકીય સુરક્ષા તપાસ અનિવાર્ય હોવાથી તેને હાલમાં એરપોર્ટ પર જ ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે.

વિમાન ગ્રાઉન્ડેડ થવાના કારણે બેંગલુરુથી દિલ્હી જતી તેની પરત મુસાફરીની ફ્લાઈટ રદ કરવી પડી છે. ટાટા ગ્રૂપની માલિકીની આ એરલાઈને પ્રભાવિત મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ્સમાં સીટ આપવા અને જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.

એર ઈન્ડિયાની પ્રતિક્રિયા

એર ઈન્ડિયાના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું કે, મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમારા પ્રવાસીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નિયમનકારી સત્તાવાળાઓ (DGCA) સાથે મળીને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.