Air India Pilot Terminated: વિયતનામના ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2379માં ગત 4 ઓગસ્ટે બનેલી ગંભીર ઘટના બાદ એરલાઇન તંત્રે કડક વલણ અપનાવ્યું છે. ફ્લાઇટના પાયલોટ-ઈન-કમાન્ડનો 'સાયકોએક્ટિવ સબસ્ટન્સ' (નશાકારક અથવા માનસિક સ્થિતિ પર અસર કરતા પદાર્થો) ટેસ્ટ પોઝિટિવ આવતા જ એર ઈન્ડિયાએ તેની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે.
હવામાં 300 ફૂટ નીચે ખાબક્યું હતું વિમાન
4 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાનું એરબસ A320 વિમાન (રજિસ્ટ્રેશન VT-EXO) ફુકેતથી દિલ્હી આવી રહ્યું હતું.ફ્લાઇટ જ્યારે ક્રૂઝ ફેઝમાં (હવામાં સામાન્ય ઊંચાઈ પર) હતી ત્યારે અચાનક વિમાનની ઊંચાઈમાં આશરે 300૦ ફૂટનો ઘટાડો નોંધાયો હતો.
આ આંચકાના કારણે ફ્લાઇટમાં સવાર 17 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઈજાઓ થઈ હતી. કેટલાક મુસાફરોને કમર અને ગરદનના ભાગે ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ વિમાનને દિલ્હી ખાતે સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
તપાસ રિપોર્ટમાં મોટો પર્દાફાશ
આ ઘટના બાદ 'એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો' (AAIB) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક રિપોર્ટ: AAIBના પ્રારંભિક રિપોર્ટમાં પાયલોટ-ઈન-કમાન્ડનો કન્ફર્મેટરી સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટ 'નોન-નેગેટિવ' (પોઝિટિવ) આવ્યો હતો.
DGCAને ભલામણ: AAIBએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવીને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ને પ્રાથમિકતાના ધોરણે કડક પગલાં લેવા માટે ભલામણ કરી હતી.
એર ઈન્ડિયાની ઝીરો ટોલરન્સ નીતિ
રિપોર્ટ સામે આવ્યા બાદ એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષા, ફિટનેસ અને નિયમોના પાલન પ્રત્યે એરલાઇન 'ઝીરો ટોલરન્સ'ની નીતિ ધરાવે છે.
પાયલોટનો ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેમને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ પાયલોટોએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કડક તબીબી અને સુરક્ષા ધોરણોમાંથી પસાર થવું પડે છે. હાલમાં AAIB દ્વારા આ ઘટનાની વિગતવાર આખરી તપાસ ચાલી રહી છે.
