Bihar News: મંગળવારે સવારે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લખીસરાય-જમુઈ હાઈવે પર ગુણસાગર પાસે ભીષણ અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયોમાં બેઠેલા તમામ લોકો મોતિહારીથી દેવધર જઈ રહ્યા હતા ત્યારે જ એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ડ્રાઈવર સહિત પાંચ લોકોના મોત થઈ ગયા. મૃતકોમાં ત્રણ પુરુષો અને બે મહિલાનો સમાવેશ થાય છે.
સ્કોર્પિયો કારનો બુકડો બોલી ગયો
મળતી માહિતી પ્રમાણે સ્કોર્પિયો જમુઈ તરફથી આવી રહી હતી ત્યારે ગુણસાગર ગામ પાસે સામેથી આવતા ટ્રક સાથે તેની અથડામણ થઈ ગઈ. આ ટક્કર એટલી ભીષણ હતી કે સ્કોર્પિયો કારનો બુકડો બોલી ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ગઈ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરુ કરી દીધુ અને તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલે પહોચાડી દીધા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઢા થઈ ગયા હતા અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો
અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો મદદે આવી ગયા હતા. તેમણે મૃતકો અને ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત માહિતી મળતા જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઘાયલનો સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર બાળકના બાબરી સંસ્કાર માટે દેવધર જતો હોવાની માહિતી સામે આવી છે. જોકે હજુ પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
મૃતકોની ઓળખ થઈ શકી નથી
તો બીજી તરફ પોલીસ હાલ મૃતકોની ઓળખ માટે કામે લાગી છે. પિડિત પરિવાર ઝારખંડનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જે ચાર લોકો ઘાયલ થયા છે તેમાં એક 3 વર્ષનો બાળક પણ છે. બાળકને સામાન્ય ઈજા થઈ છે અને સુરક્ષિત છે જ્યારે અન્ય ત્રણ ઘાયલોની સ્થિતિ નાજુક છે. હાલમાં પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે અને અકસ્માતનો ભોગ બનેલા પરિવારના સંબંધીઓનો સંમ્પર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.
