Surat News: સુરત જિલ્લામાં 108 ઈમરજન્સી સેવાની ટીમે પ્રામાણિકતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અરેઠ 108 એમ્બ્યુલન્સ ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દી પાસેથી મળેલી ₹45,000ન રોકડ રકમ સુરક્ષિત રાખીને તેમના પરિવારજનોને સોંપી હતી. દર્દી બેભાન અવસ્થામાં હોવાથી ટીમે તેમની અંગત રકમની જવાબદારીપૂર્વક સાચવણી કરી હતી. દર્દીના પરિવારજનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઝરપણ ગામ નજીક અકસ્માત, યુવક ઈજાગ્રસ્ત
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ગતરોજ અરેઠ તાલુકાના ઝરપણ ગામ નજીક પેટ્રોલ પંપ સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર ભાગ્યેશભાઈ માનસિંગભાઈ ચૌધરી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગેનો કોલ મળતા જ અરેઠ 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ઈજાગ્રસ્ત ભાગ્યેશભાઈને પ્રાથમિક તબીબી સારવાર આપી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.
દર્દી બેભાન હોવાથી ₹45,000 રોકડ સાચવી
દર્દીને સારવાર માટે લઈ જવા દરમિયાન EMT તન્વીબેન અને પાયલોટ ભરતભાઈ ચૌધરીના ધ્યાનમાં આવ્યું કે દર્દી પાસે ₹45,000 રોકડ રકમ છે. દર્દી તે સમયે બેભાન અવસ્થામાં હોવાથી 108 ટીમે તેમની અંગત રકમની સુરક્ષાની જવાબદારી લીધી હતી. ટીમે સમગ્ર ₹45,000 રોકડ રકમ સુરક્ષિત રીતે પોતાની પાસે સાચવી રાખી હતી.
દર્દીના સગા પ્રતિક ચૌધરીને રોકડ પરત સોંપી
ત્યારબાદ 108 ટીમે દર્દીની સમગ્ર ₹45,000 રોકડ રકમ તેમના સગા પ્રતિકભાઈ ચૌધરીને પરત સોંપી હતી. રોકડ રકમ સુરક્ષિત રીતે પરત મળતા દર્દીના પરિવારજનોએ ટીમની પ્રામાણિકતા, માનવતા અને જવાબદારીભર્યા અભિગમની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓએ 108 ટીમની નિષ્ઠાને બિરદાવી
બીજી તરફ, આ કામગીરીની EME હિતેશ રોહિત અને પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે નોંધ લીધી અને અરેઠ 108 ટીમની ફરજનિષ્ઠા, પ્રામાણિકતા અને સેવાભાવને બિરદાવ્યા હતા. આ ઘટનાએ દર્શાવ્યું કે 108 ઈમરજન્સી સેવાની જવાબદારી માત્ર દર્દીને તબીબી સહાય પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ કટોકટીના સમયે દર્દીની સુરક્ષા અને પરિવારજનોનો વિશ્વાસ જાળવવો પણ એટલો જ મહત્ત્વનો છે.
