CJP Protest: દેશના પાટનગર જંતર-મંતર પર આજે સવારથી હોબાળો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ ઉઠાવી ગઈ હતી. જે બાદ હવે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે (Abhijeet Dipke Ink Attack) પર હુમલાની ઘટના સામે આવી છે.
હકીકતમાં જંતર-મંતર પર અભિજીત દિપકે ઉપર એક મહિલાએ શાહી ફેંકી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અભિજીત દીપકે માઈકમાં સંબોધન કરી રહ્યા છે, ત્યારે પાછળથી એક મહિલા આવે છે અને તેમના તરફ શાહી ફેંકે છે. જે બાદ અભિજીત દીપકેનો ચહેરો કાળી શાહીથી ખરડાઈ જાય છે. જો કે દિલ્હી પોલીસે મહિલાની અટકાયત કરી લીધી છે.
અભિજીત દીપકેનું ભૂખ હડતાળનું એલાન
જણાવી દઈએ કે, દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આજે અભિજીત દીપકે પર ઈન્ક એટેક પહેલા ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી પરાણે ઉઠાવી જવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ પ્રદર્શનકારીઓને જંતર-મંતર ખાલી કરવાની અપીલ કરવામાં આવી હતી. જો કે સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી લઈ ગયા બાદ અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતે ભૂખ હડતાળ શરૂ કરવાનું એલાન કર્યું છે.
ગત 28 જૂનથી જંતર-મંતર પર સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા હતા. તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકનો જીવ બચાવવા માટે તાત્કાલિક પગલા લેવા માટે સરકારને આદેશ આપ્યો હતો. ડોક્ટરો દ્વારા સોનમ વાંગચુકના ઓર્ગન ફેઈલ થવાની શક્યતા દર્શાવ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા આજે તેમને ઉઠાવીને સફદરજંગની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
