AAP Crisis: આજથી બે વર્ષ પહેલા દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને જેલની હવા ખાવી પડી હતી. જે બાદ AAPની દશા બેઠી હોય તેમ એક પછી એક મુશ્કેલીઓ અચાનક આવી પડે છે. એક તરફ આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા, ત્યારે દિલ્હીમાં પાર્ટીના એક સાથે સાત સાંસદોએ રાજીનામું આપી દીધુ.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલિવાલ સહિત સાત સાંસદોએ એકાએક રાજીનામું આપીને ભાજપમાં ભળવાની જાહેરાત કરી દીધી, તે સાથે જ પંજાબનું રાજકારણ ગરમાયું છે. હકીકતમાં હરિયાણામાં AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવિન જયહિંદે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના 28 ધારાસભ્યો ગમે ત્યારે પાર્ટી છોડી શકે છે તેવો દાવો કર્યો છે.
નવિન જયહિંદે આરોપ લગાવતા જણાવ્યું કે, રાઘવ ચઢ્ઢા સહિત જે નેતાઓએ AAP છોડી, તેમની સાથે પહેલા પણ પાર્ટીએ ગેરવર્તણૂક કરી હતી. આમ આદમી પાર્ટીમાં અંદરોઅંદર લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. પાર્ટીના આંતરિક મતભેદો હવે સપાટી પર આવી રહ્યા છે. જેના કારણે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની અંદર અસંતોષ વધી ગયો છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પંજાબના પ્રભારી મનિષ સિસોદિયા અમદાવાદથી સીધા અરવિંદ કેજરીવાલને મળવા પહોંચી ગયા છે. જે બાદ પંજાબ સરકારના મંત્રી ડૉ. બલવીરસિંહ પણ તેમને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. તેમનો આરોપ છે કે, ભાજપ 'ઑપરેશન લૉટસ' થકી પંજાબમાં પણ સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ પંજાબના નાણાં મંત્રી હરપાલ ચીમાએ સ્પષ્ટતા કરી છે કે, ભાજપમાં જોડાનારા સાંસદોની સંખ્યા એટલી નથી, જેટલી જાહેર કરવામાં આવી રહી છે. માત્ર 3 સાંસદોએ જ આમ આદમી પાર્ટી છોડીને ગયા છે, જ્યારે બાકીના સાંસદોના નામને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
પંજાબના મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો
રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ પક્ષપલટો કરી લેતા ભીંસમાં મૂકાયેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં તેઓ પોતાના સાંસદોને પરત બોલાવવા અંગે દલીલ રજૂ કરશે.આ સિવાય કાયદા હેઠળ સાંસદોનું સભ્ય પદ રદ્દ કરવાની પણ માંગ કરવામાં આવી શકે છે.
