26/11 Attacks:મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને આજે 18 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર અનેક નિર્દોષ લોકોનો ભોગ લેનાર આતંકવાદી હુમલો થયો હતો. આજે 18મી વરસીએ અનેક નિર્દોષો લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનથી સમુદ્રના માર્ગે ભારતમાં પ્રવેશ કરનાર લશ્કર-એ-તૈયબાના શસ્ત્રોથી સજ્જ 10 આતંકવાદીઓએ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં ભીષણ હુમલો કર્યો હતો.
166 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો
આ હુમલામાં ઓછામાં ઓછા 166 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 300થી પણ વધારે લોકોને ઈજા પહોંચી હતી. આ આતંકવાદીઓએ મુંબઈના મહત્વના સ્થાનો જેવા કે તાજ મહેલ પેલેસ હોટેલ, નરીમન હાઉસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, નરીમન હાઉસ, લિયોપોલ્ડ કેફે તથા કામા હોલ્પિટલ સહિત અનેક સ્થળોને આડેધડ ફાયરિંગ કર્યાં હતા અને ભારે દહેશતનો માહોલ સર્જ્યો હતો. ભારતના કોઈ શહેર પર થયેલા આતંકવાદી હુમલા પૈકીનો આ સૌથી મોટો હુમલો હતો. આ અગાઉ 12મી માર્ચ 1993ના રોજ આતંકવાદીઓે મુંબઈને નિશાન બનાવ્યું હતું અને એકપછી એક શ્રેણીબદ્ધ 12 સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં 257 લોકોના મોત થયા હતા.
અનેક લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા
26/11 આતંકવાદી હુમલામાં અનેક લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષા દળો સાથે લાંબા સમય સુધી અથડામણ કરી હતી. આશરે 60 કલાક સુધી ચાલેલી આ અથડામણમાં સશસ્ત્ર પોલીસ દળ, નૌકાદળના મરીન કમાન્ડો અને NSG જવાનોનો સમાવેશ થતો હતો, જેમણે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. આ ઘટનામાં અનેક સુરક્ષા કર્મીઓએ દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
એકમાત્ર કસાબ જીવિત પકડવામાં આવેલો
આ હુમલામાં જે 10 આતંકવાદી સંડોવાયેલા હતા તે પૈકી અજમલ કસાબને જીવિત પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાલેલા કેસને અંતે વર્ષ 2012માં ફાંસી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ હુમલામાં સંડોવાયેલ ડેવિડ હેડલીએ અમેરિકાની કોર્ટમાંથી વીડિયો કોન્ફરન્સિંગથી ભારતની કોર્ટમાં નિવેદન આપ્યું હતું.
