Methi Bajra Puri Recipe: શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવી સ્વાદિષ્ટ મેથી બાજરાની પૂરી, જાણો પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત

શિયાળામાં ગરમાગરમ મેથી બાજરાની પૂરી ખાવાની મજા જ કંઈક અલગ છે. જાણો ઘરે પરફેક્ટ માપ સાથે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ મેથી બાજરાની પૂરી બનાવવાની સરળ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 20 Nov 2026 10:29 AM (IST)Updated: Fri, 20 Nov 2026 10:29 AM (IST)
winter-special-recipe-how-to-make-soft-methi-bajra-puri-at-home

Methi Bajra Puri Recipe: શિયાળાની ઋતુમાં મેથી અને બાજરીમાંથી બનતી વાનગીઓ ખાવાની મજા જ અલગ હોય છે. મેથી બાજરાની પૂરી સ્વાદિષ્ટ હોવાની સાથે પેટ ભરાય તેવો નાસ્તો પણ છે. તેને તમે સવારના નાસ્તામાં, બપોરના ભોજનમાં કે મુસાફરી દરમિયાન પણ લઈ જઈ શકો છો. તો ચાલો જાણીએ ઘરે જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ મેથી બાજરાની પૂરી બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે અને તેની બનાવવાની રીત શું છે.

મેથી બાજરા પૂરી બનાવવા માટેની સામગ્રી

  • બાજરીનો લોટ – 1 કપ
  • ઘઉંનો લોટ – ½ કપ
  • તાજી સમારેલી મેથી – 1 કપ
  • લીલા મરચાં – 3થી 4
  • આદુ – 1 ઇંચનો ટુકડો
  • લસણ – 4થી 5 કળી (વૈકલ્પિક)
  • તલ – 1 મોટી ચમચી
  • અજમો – ½ નાની ચમચી
  • હળદર – ¼ નાની ચમચી
  • લાલ મરચું પાઉડર – ½ નાની ચમચી
  • ધાણાજીરું પાઉડર – 1 નાની ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ – 2 મોટી ચમચી (મોણ માટે)
  • પાણી – જરૂરિયાત મુજબ
  • પૂરી તળવા માટે તેલ

મેથી બાજરા પૂરી બનાવવાની રીત

સૌપ્રથમ મેથીને સારી રીતે ધોઈને તેનું પાણી નીતારી લો. ત્યારબાદ તેને બારીક સમારી લો. મિક્સરમાં લીલાં મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લો.

હવે એક મોટા વાસણમાં બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લો. તેમાં સમારેલી મેથી, મરચાં-આદુની પેસ્ટ, તલ, અજમો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો.

ત્યારબાદ તેમાં બે મોટી ચમચી ગરમ તેલનું મોણ નાખો અને બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. બાજરીનો લોટ હોવાથી લોટને વધારે નરમ ન રાખવો.

લોટ બંધાઈ જાય પછી તેને 10થી 15 મિનિટ ઢાંકીને રાખો. ત્યારબાદ તેના નાના-નાના લુઆ બનાવી લો. પ્લાસ્ટિક શીટ અથવા બટર પેપરની મદદથી દરેક લુઆને નાની પૂરીના આકારમાં વણી લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે એક પછી એક પૂરી નાખીને મધ્યમ તાપે તળી લો. પૂરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી લો.

આવી રીતે તમારી ગરમાગરમ અને સ્વાદિષ્ટ મેથી બાજરાની પૂરી તૈયાર થઈ જશે. તેને દહીં, લીલી ચટણી, અથાણું અથવા ચા સાથે સર્વ કરી શકો છો.