Gujarati Bajra Na Dhebra Recipe: શિયાળાની ઋતુમાં બાજરીમાંથી બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે જો તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા હોવ તો આજે બનાવો સ્વાદિષ્ટ બાજરીના ઢેબરા. પાલક, બાજરીનો લોટ, બેસન અને મસાલાના મિશ્રણથી બનતા આ ઢેબરા બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા બને છે. ખાસ વાત એ છે કે તેની સાથે ચટપટી ટમેટાની ચટણી પણ ઘરે જ બનાવી શકાય છે.
બાજરીના ઢેબરા રેસીપી(Bajra Na Dhebra Recipe in gujarati)
બાજરીના ઢેબરા બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બાજરીનો લોટ
- અડધો કપ બેસન
- 400 ગ્રામ અથવા 5 કપ સમારેલી પાલક
- 3 લીલા મરચાં
- 1 ઇંચ આદુ
- 10થી 12 લસણની કળી
- 1 ચમચી જીરું
- 2 ચમચી સફેદ તલ
- 2 ચમચી દહીં
- 2 ચમચી ગોળ
- અડધો કપ સમારેલી કોથમીર
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- 1 ચમચી ધાણાજીરું
- 1 ચમચી અજમો
- અડધી ચમચી કાળા મરીનો પાઉડર
- ચપટી હિંગ
- સ્વાદ પ્રમાણે મીઠું
- શેકવા માટે તેલ
ટમેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 3 મધ્યમ કદનાં ટમેટાં
- 10 લસણની કળી
- 1 ઇંચ સમારેલું આદુ
- અડધો કપ સમારેલી મૂળા
- ચોથા ભાગનો કપ મૂળાનાં પાન
- 3 નાની ડુંગળીની સ્લાઇસ
- 2 લીલાં મરચાં
- અડધો કપ કોથમીર
- 2 ચમચી ફુદીનાનાં પાન
- 1 ચમચી જીરું
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
- અડધી ચમચી ધાણાજીરું
- અડધી ચમચી જીરું પાઉડર
- 1 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી દળેલી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરૂર મુજબ કોથમીર
- 1 ચમચી તેલ
બાજરીના ઢેબરા બનાવવાની રીત
સૌથી પહેલાં પાલકને સારી રીતે ધોઈને ઝીણી સમારી લો. હવે મિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લસણ અને જીરું નાખીને અધકચરું પીસી લો. આ મિશ્રણ સમારેલી પાલકમાં ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હિંગ, અજમો, કાળા મરીનો પાઉડર અને સફેદ તલ નાખીને બરાબર મિક્સ કરો.
હવે પાલકના મિશ્રણમાં બાજરીનો લોટ, બેસન, દહીં, ગોળ અને સમારેલી કોથમીર ઉમેરો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરીને મધ્યમ પોચો લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટ વધારે કઠણ કે ઢીલો ન હોવો જોઈએ. લોટ બાંધ્યા પછી તેને આરામ આપવા માટે રાખવાનો નથી.
હવે લોટમાંથી મધ્યમ કદનો એક લૂવો લો. પ્લાસ્ટિકની શીટ પર થોડું તેલ લગાવીને તેની વચ્ચે લૂવો મૂકો. તેના પર પ્લેટ રાખીને હળવા હાથે દબાવો, જેથી ઢેબરા મધ્યમ જાડાઈના ગોળ આકારમાં તૈયાર થઈ જાય.
ત્યારબાદ ગરમ તવા પર થોડું તેલ લગાવીને ઢેબરો મૂકો. મધ્યમથી ધીમી આંચ પર બંને બાજુ તેલ લગાવીને બરાબર શેકો. ઢેબરો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવો. આ જ રીતે બધા ઢેબરા તૈયાર કરી લો. ગરમાગરમ બાજરીના ઢેબરા તૈયાર છે.
ચટપટી ટમેટાની ચટણી બનાવવાની રીત
સૌથી પહેલાં મિક્સર જારમાં સમારેલા મૂળા, મૂળાનાં પાન, ડુંગળી, લીલાં મરચાં, કોથમીર, ફુદીનો અને જીરું નાખો. તેમાં પાણી ઉમેર્યા વગર પલ્સ મોડ પર અધકચરું પીસી લો. હવે આ મિશ્રણ એક બાઉલમાં કાઢી લો.
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં અડધા કાપેલા ટમેટાં, આદુ અને લસણની કળીઓ ઉમેરો. પેનને ઢાંકીને ધીમી આંચ પર ટમેટાં નરમ થાય ત્યાં સુધી પકાવો. ટમેટાં નરમ થઈ જાય એટલે ગેસ બંધ કરીને તેની છાલ કાઢી લો અને આદુ-લસણ સાથે બરાબર મસળી લો.
હવે આ ટમેટાનું મિશ્રણ પહેલાં તૈયાર કરેલા મૂળાના મિશ્રણમાં ઉમેરો. તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરું, જીરું પાઉડર, ચાટ મસાલો, દળેલી ખાંડ અને લીંબુનો રસ ઉમેરો. છેલ્લે થોડી સમારેલી કોથમીર નાખીને બધી સામગ્રી બરાબર મિક્સ કરો. આ રીતે ચટપટી અને સ્વાદિષ્ટ ટમેટાની ચટણી તૈયાર થઈ જશે. ગરમાગરમ બાજરીના ઢેબરા સાથે આ ચટણી સર્વ કરો.
