Methi Bajra Muthiya Recipe: પરફેક્ટ માપ સાથે ક્રિસ્પી અને પોચા મેથી બાજરીના મુઠીયા કેવી રીતે બનાવવા?

મેથી અને બાજરીના લોટમાંથી બનાવો સ્વાદિષ્ટ મેથી બાજરીના મુઠીયા. જાણો મુઠીયા બનાવવાની સરળ રીત, પરફેક્ટ માપ અને વઘારની ખાસ ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 19 Nov 2026 02:13 PM (IST)Updated: Thu, 19 Nov 2026 02:13 PM (IST)
winter-special-recipe-how-to-make-soft-methi-bajra-muthiya-at-home

Gujarati Methi Bajra Muthiya Recipe: શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં તાજી લીલી મેથી મળવા લાગે છે. મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પણ ઉપયોગી છે. જો તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા હોવ તો મેથી બાજરીના મુઠીયા એક સારો વિકલ્પ છે. બાજરીનો લોટ, તાજી મેથી અને લીલા લસણમાંથી બનતા આ મુઠીયા બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા બને છે. તો ચાલો જાણીએ તેની પરફેક્ટ માપ સાથેની રેસિપી.

મેથી બાજરીના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

મુઠીયાનું ખીરું બનાવવા માટે

  • 1 કપ સમારેલી તાજી મેથી
  • 4-5 તીખાં લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • ¼ કપ સમારેલું લીલું લસણ (સફેદ ભાગ)
  • 1½ કપ બાજરીનો લોટ
  • ½ કપ જાડો ઘઉંનો લોટ (ભાખરીનો લોટ)
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી અજમો
  • ચપટી હિંગ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • 1 મોટી ચમચી તેલ
  • 1 કપ છાશ અથવા ½ કપ દહીં

વઘાર માટે

  • 4 મોટી ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 મોટી ચમચી તલ
  • થોડાં લીમડાનાં પાન
  • 2 સૂકાં લાલ મરચાં
  • ચપટી હિંગ
  • 2 સમારેલાં લીલાં મરચાં
  • ½ કપ સમારેલું લીલું લસણ (વૈકલ્પિક)
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સમારેલી કોથમીર

મેથી બાજરીના મુઠીયા બનાવવાની રીત

સૌથી પહેલાં મેથીને સારી રીતે ધોઈને સાફ કરી લો અને તેનું પાણી નિતારીને બારીક સમારી લો. હવે મિક્સર જારમાં લીલાં મરચાં, આદુ અને લીલું લસણ ઉમેરીને અધકચરી પેસ્ટ તૈયાર કરી લો.

એક મોટા વાસણમાં સમારેલી મેથી, બાજરીનો લોટ અને જાડો ઘઉંનો લોટ લો. તેમાં તૈયાર કરેલી મરચાં-આદુ-લસણની પેસ્ટ, મીઠું, હળદર, અજમો, હિંગ, બેકિંગ સોડા, લીંબુનો રસ, ખાંડ અને તેલ ઉમેરીને બધી સામગ્રી બરાબર મિક્સ કરો.

હવે તેમાં ધીમે ધીમે છાશ ઉમેરતા જાઓ અને નરમ લોટ બાંધી લો. લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ન હોવો જોઈએ. ત્યારબાદ હાથ અને પાટિયાને થોડું તેલ લગાવીને લોટનો એક ભાગ લો અને તેને લાંબા નળાકાર આકારમાં વણી લો. આ જ રીતે બધા મુઠીયા તૈયાર કરી લો.

હવે સ્ટીમરની કાણાંવાળી થાળીને તેલથી ગ્રીસ કરો અને તેમાં તૈયાર કરેલા મુઠીયા ગોઠવો. એક વાસણમાં 4થી 5 કપ પાણી ગરમ કરો. પાણી ઉકળવા લાગે એટલે તેની ઉપર મુઠીયાવાળી થાળી મૂકી ઢાંકણ ઢાંકી દો. મધ્યમથી તેજ આંચ પર લગભગ 12 મિનિટ સુધી બાફો. ટૂથપિક નાખીને ચેક કરો, જો તે સાફ બહાર આવે તો મુઠીયા બરાબર બફાઈ ગયા છે.

બફાઈ ગયા પછી મુઠીયાને સંપૂર્ણ ઠંડા થવા દો. ત્યારબાદ તેને મધ્યમ જાડાઈના ગોળ ટુકડામાં કાપી લો.

હવે વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન, સૂકાં લાલ મરચાં અને હિંગ ઉમેરો. ત્યારબાદ સમારેલાં લીલાં મરચાં અને લીલું લસણ ઉમેરીને થોડું સાંતળો. જરૂર મુજબ મીઠું ઉમેરો.

છેલ્લે તેમાં કાપેલા મુઠીયા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો, જેથી દરેક ટુકડા પર સરસ વઘાર લાગી જાય. ઉપરથી કોથમીર ભભરાવીને ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરો.