Tal Nu Kachariyu Recipe: હાડકાં મજબૂત રાખવા શિયાળામાં ખાઓ તલનું કચરિયું, જાણો બનાવવાની પરફેક્ટ રીત

શિયાળામાં ખાવા માટે ઘરે જ બનાવો ગોળ, ખજૂર અને તલમાંથી તૈયાર થતું સ્વાદિષ્ટ કચરિયું. જાણો સામગ્રીનું યોગ્ય માપ અને બનાવવાની રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 20 Nov 2026 12:37 PM (IST)Updated: Fri, 20 Nov 2026 12:37 PM (IST)
winter-special-gujarati-vasanu-how-to-make-black-sesame-kachariyu-tal-nu-kachariyu

Tal Nu Kachariyu Recipe: શિયાળાની ઠંડીમાં ગુજરાતના ઘરોમાં અડદિયા, ગુંદર પાક અને તલના કચરિયા જેવાં વસાણાં બનાવવાની પરંપરા છે. ખાસ કરીને તલ અને ગોળમાંથી તૈયાર થતું કચરિયું સ્વાદમાં તો સરસ હોય જ છે, સાથે તેમાં ખજૂર, સૂંઠ અને ગંઠોડા જેવી સામગ્રીનો પણ ઉપયોગ થાય છે. જો તમને પણ બજારમાં મળતું દાણેદાર કચરિયું ભાવતું હોય તો આ વખતે ઘરે જ બનાવી લો. ચાલો જાણીએ તેની પરફેક્ટ રેસિપી.

તલનું કચરિયું બનાવવા માટેની સામગ્રી

  • કાળા તલ – 250 ગ્રામ
  • દેશી ગોળ – 150 ગ્રામ
  • ખજૂર – 100 ગ્રામ
  • સૂકું કોપરું – 3 ચમચી
  • તલનું તેલ – 4થી 5 ચમચી
  • સૂંઠ પાવડર – 1 ચમચી
  • ગંઠોડા પાવડર – અડધી ચમચી
  • ખસખસ – 1 ચમચી
  • મગજતરી – 1 ચમચી
  • બદામ અને કાજુની કતરણ – 2 ચમચી
  • તળેલો ગુંદર – 2 ચમચી
  • એલચી પાવડર – ¼ ચમચી

તલનું કચરિયું બનાવવાની રીત

સૌપ્રથમ કાળા તલને સાફ કરીને એક કડાઈમાં ધીમા તાપે શેકી લો. તલમાંથી સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો. તલને વધારે શેકવા નહીં, કારણ કે તેનાથી કચરિયાનો સ્વાદ કડવો થઈ શકે છે. હવે તલને ઠંડા થવા દો.

ત્યારબાદ ખજૂરમાંથી ઠળિયા કાઢીને તેના નાના ટુકડા કરી લો. ગોળને પણ ઝીણો સમારી અથવા છીણીને તૈયાર રાખો. ગુંદરને ઘીમાં તળી લો અને ઠંડો થયા પછી તેનો ભૂકો કરી લો.

હવે મિક્સરના જારમાં શેકેલા તલ નાખીને અધકચરા પીસી લો. તેમાં સમારેલી ખજૂર અને ગોળ ઉમેરીને ફરીથી થોડું પીસો. ધ્યાન રાખવું કે મિશ્રણ એકદમ બારીક પાવડર ન બને, કારણ કે કચરિયામાં દાણેદાર પોત જ તેની ખાસિયત છે.

હવે આ મિશ્રણને એક મોટા વાસણમાં કાઢી લો. તેમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, એલચી પાવડર, ખસખસ, મગજતરી, કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. ત્યારબાદ ધીમે ધીમે તલનું તેલ ઉમેરીને હાથથી બધી સામગ્રી બરાબર મિક્સ કરો.

છેલ્લે તેમાં તળેલા ગુંદરનો ભૂકો ઉમેરો અને ફરીથી મિશ્રણને બરાબર મસળી લો. જો તમને કચરિયું ભુક્કા જેવું પસંદ હોય તો તેને એમ જ રાખી શકો છો અથવા હાથથી નાના ગોળા પણ બનાવી શકો છો. તૈયાર છે શિયાળામાં ખાવા માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તલનું કચરિયું.

તલનું કચરિયું બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

કચરિયું બનાવતી વખતે તલને વધારે શેકવા નહીં અને મિક્સરમાં પણ એકસાથે લાંબો સમય પીસવા નહીં. તલમાંથી તેલ છૂટવા લાગે એટલે મિશ્રણ ચીકણું થઈ શકે છે. ખજૂર નરમ હોય તો કચરિયું સારી રીતે બંધાય છે. તૈયાર કચરિયાને હવાચુસ્ત ડબ્બામાં ભરીને રાખો.