ઘણીવાર ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણા મગજમાં અનેક પ્રકારની વાતો ચાલતી હોય છે, ઘણા પ્રશ્નો પણ આવે છે. જેમ કે પહેલી ટ્રેન ક્યારે શરૂ થઈ હતી, ટ્રેનની લંબાઈ કેટલી હોય છે, ટ્રેનમાં એસી કોચ ક્યારે લગાવવામાં આવ્યા હતા, ટ્રેનના કોચના રંગો અલગ-અલગ કેમ હોય છે… વગેરે. રેલવેના આ રસપ્રદ તથ્યો વિશે અમે ઘણીવાર માહિતી ઉપલબ્ધ કરાવતા રહીએ છીએ. આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભારતમાં એસી કોચવાળી ટ્રેનની શરૂઆત ક્યારે થઈ હતી અને આ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી ચાલતી હતી.
તમને જણાવી દઈએ કે ભારતની પહેલી AC ટ્રેન અંગ્રેજોના જમાનાની છે અને સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેન આજે પણ ચાલે છે. પરંતુ હવે આ ટ્રેનનું નામ બદલીને ગોલ્ડન ટેમ્પલ મેલ કરવામાં આવ્યું છે. આ ટ્રેનને તે સમયની સૌથી લક્ઝુરિયસ ટ્રેન કહેવામાં આવતી હતી. કહેવાય છે કે ફ્રન્ટિયર મેલ સમયની ખૂબ જ પાક્કી હતી. શરૂ થયાના 11 મહિના બાદ પ્રથમ વખત આ ટ્રેન 15 મિનિટ મોડી પડી હતી, તો તેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં એવી ઘણી વિશેષતાઓ છે. ચાલો જાણીએ આ ટ્રેન સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો…
ભારતમાં AC ટ્રેન ક્યારે શરૂ થઈ હતી?
ભારતમાં એસી ટ્રેન કે કોચ ક્યારે શરૂ થઈ હતી, તેનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. કહેવાય છે કે ભારતની એસી ટ્રેન વર્ષ 1928માં શરુ થઈ હતી. આ ટ્રેનને અંગ્રેજોએ પોતાની સુવિધા માટે ચલાવી હતી.
સૌથી પહેલાં રાખવામાં આવ્યું હતું આ નામ
ટ્રેનમાં એસી કોચ જોડતા પહેલા ટ્રેનને 'પંજાબ મેલ'ના નામથી ઓળખવામાં આવતી હતી, પરંતુ વર્ષ 1934માં એસી કોચ જોડ્યા પછી આ ટ્રેનનું નામ બદલીને 'ફ્રન્ટિયર મેલ' રાખવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ ફરીથી બદલી દેવામાં આવ્યું અને તેનું નામ 'ગોલ્ડન ટેમ્પલ મેલ' રાખવામાં આવ્યું હતું.

મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર સુધી ચાલતી હતી ટ્રેન
ભારતની પહેલી એસી ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર સુધી ચાલતી હતી. કહેવાય છે કે દેશના ભાગલા પડ્યા તે પહેલા આ ટ્રેન પાકિસ્તાનના લાહોર અને અફઘાનિસ્તાનથી થઈને મુંબઈ સેન્ટ્રલ સુધી જતી હતી. આ ટ્રેન તે સમયની સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવતી હતી અને બ્રિટિશ અધિકારીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરતા હતા.
ટ્રેનને ઠંડી રાખવા બરફનો કરાતો ઉપયોગ
ટ્રેનને કેવી રીતે ઠંડી રાખવામાં આવી હતી, તેની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. પહેલી એસી ટ્રેનને આજની જેમ ઠંડી રાખવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. એવું કહેવાય છે કે ફ્રન્ટિયર મેલને ઠંડી રાખવા માટે તે સમયે બરફના બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલાની ટ્રેનોમાં આઇસ ચેમ્બર બનાવવામાં આવતી હતી, જેમાં બરફના ટુકડા મૂકવામાં આવતા હતા. બરફના ટુકડાઓની પાસે પંખો રાખવામાં આવતો હતો અને પંખો ચાલે ત્યારે ઠંડી હવા આવતી હતી.
15 મિનિટ મોડી થવા પર શરુ થઈ ગઈ હતી તપાસ
તે સમયે ટ્રેન તેના સમયની એટલી પાબંદ હતી કે ક્યારેય પણ મોડી ચાલતી ન હતી, પરંતુ એવું કહેવાય છે કે એકવાર ટ્રેન નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચી ત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કે ટ્રેન કેમ મોડી પહોંચી.
શું આજે પણ ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેન ચાલે છે?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સમયની સાથે આ ટ્રેનનો રૂપ રંગ બદલાતો રહ્યો અને આજે પણ આ ટ્રેન ચાલે છે. હવે આ ટ્રેન આધુનિક બની ગઈ છે અને તેમાં તમામ પ્રકારના એસી કોચ લાગેલ છે.
