Radish Leaves Chutney: મૂળાના પાનમાંથી બનાવો તીખી-ચટપટી ચટણી, બાજરા-મકાઈના રોટલા સાથે ખાશો તો બમણો થશે સ્વાદ

મૂળાના પાનમાંથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને તીખી-ચટપટી ચટણી. લસણ, લીલાં મરચાં અને મગફળીના મિશ્રણથી તૈયાર થતી આ ચટણી બાજરા અને મકાઈના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 25 Nov 2026 02:21 PM (IST)Updated: Wed, 25 Nov 2026 02:21 PM (IST)
quick-winter-recipe-how-to-make-radish-leaves-chutney-at-home

Radish Leaves Chutney Recipe: શિયાળાની ઋતુમાં બજારમાં તાજા મૂળા સરળતાથી મળી જાય છે. સામાન્ય રીતે આપણે મૂળાનો ઉપયોગ શાક, સલાડ કે પરાઠા બનાવવામાં કરીએ છીએ, પરંતુ તેના લીલાછમ પાનનો ઉપયોગ કરીને પણ એકદમ સ્વાદિષ્ટ ચટણી બનાવી શકાય છે. મૂળાના પાન, લસણ, લીલાં મરચાં અને મગફળીથી તૈયાર થતી આ ચટણીનો સ્વાદ એટલો ચટપટો હોય છે કે બાજરા અને મકાઈના રોટલા સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો જાણીએ ઘરે આ ચટણી બનાવવાની સરળ રીત.

મૂળાના પાનની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • મૂળાનાં તાજાં પાન – 2 કપ
  • લીલાં મરચાં – 3થી 4
  • લસણની કળી – 6થી 7
  • શેકેલી મગફળી – 2 ચમચી
  • જીરું – અડધી ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • તેલ – 1 ચમચી
  • મીઠું – સ્વાદ અનુસાર
  • હળદર – એક ચપટી
  • પાણી – જરૂર મુજબ

મૂળાના પાનની ચટણી બનાવવાની રીત

સૌથી પહેલાં મૂળાનાં તાજાં પાન લઈ લો. પાનમાં માટી કે કચરો ન રહે તે માટે તેને 2થી 3 વાર પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ પાનનું વધારાનું પાણી નિતારીને તેને બારીક સમારી લો. જો પાનની જાડી દાંડી હોય તો તેને અલગ કરી શકો છો.

હવે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો. જીરું તતડવા લાગે એટલે તેમાં લસણની કળી અને સમારેલાં લીલાં મરચાં ઉમેરો. બંનેને થોડાં સાંતળો, જેથી લસણની કાચી વાસ દૂર થઈ જાય.

ત્યારબાદ તેમાં સમારેલાં મૂળાનાં પાન ઉમેરો. સાથે એક ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરો. પાનને મધ્યમ તાપે 4થી 5 મિનિટ સુધી પકાવો. પાન નરમ થઈ જાય અને તેનું વધારાનું પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. મિશ્રણને ઠંડું થવા દો.

હવે મિક્સરના જારમાં શેકેલી મગફળી અને તૈયાર કરેલું મૂળાનાં પાનનું મિશ્રણ ઉમેરો. તેમાં લીંબુનો રસ નાખીને જરૂર મુજબ થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરો. ચટણીને એકદમ ઝીણી પીસવાને બદલે થોડી દરદરી રાખશો તો તેનો સ્વાદ વધારે સારો આવશે.

તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને તીખી-ચટપટી મૂળાનાં પાનની ચટણી. તેને એક બાઉલમાં કાઢી લો. તમે આ ચટણીને બાજરાના રોટલા, મકાઈના રોટલા, ગરમાગરમ ખીચડી કે થેપલા સાથે પીરસી શકો છો.