Nirjala Ekadashi Fasting Tips: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, જેમાં 'નિર્જલા એકાદશી'ને તમામ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ અને કઠિન માનવામાં આવે છે. આજે દેશભરમાં શ્રદ્ધાળુઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે નિર્જલા એકાદશીનું વ્રત રાખી રહ્યા છે. એવી માન્યતા છે કે માત્ર આ એક જ એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ-વિધાનથી રાખવામાં આવે તો વર્ષની તમામ 24 એકાદશીઓનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
આ વ્રત દરમિયાન ભક્તો અન્ન અને જળ ગ્રહણ કર્યા વિના ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. જો કે, અત્યારે જૂન મહિનાની કાળઝાળ ગરમી અને હીટવેવ ચાલી રહ્યો છે. આવા સમયે લાંબા સમય સુધી પાણી ન પીવાથી સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહે છે. ધાર્મિક આસ્થાની સાથે શરીરને સ્વસ્થ રાખવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસ કે બીપી જેવી ગંભીર બીમારીઓથી પીડાતા લોકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.
વ્રત શરૂ કરતા પહેલા પૂરતું પાણી પી લો
નિર્જલા વ્રતના નિયમ મુજબ સૂર્યોદય પછી પાણી નથી પીવાતું. તેથી, વ્રત શરૂ થાય તે પહેલાં એટલે કે વહેલી સવારે જ પૂરતા પ્રમાણમાં પાણી, નાળિયેર પાણી કે લીંબુ શરબત પી લેવું જોઈએ. આનાથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે અને આખો દિવસ ડિહાઇડ્રેશન નહીં થાય.
સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરો
ઉનાળામાં કાળઝાળ ગરમી અને બફારાથી બચવા માટે આજના દિવસે ચુસ્ત અથવા સિન્થેટિક કપડાં ન પહેરવા. તેના બદલે ઢીલા, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આનાથી શરીરમાં હવાની અવરજવર રહેશે, પરસેવો ઓછો વળશે અને શરીરનું તાપમાન નિયંત્રણમાં રહેશે.
તીવ્ર ગરમી અને સૂર્યપ્રકાશથી બચો
નિર્જલા વ્રતમાં પાણી પીવાની મનાઈ હોવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીમાં બહાર નીકળવાથી શરીરમાંથી પરસેવો સુકાઈ જાય છે, જેનાથી ચક્કર આવવા અથવા હીટ સ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે છે. તેથી, આખો દિવસ ઘરની અંદર, એસી અથવા પંખાની ઠંડી હવામાં વિતાવવાનો પ્રયાસ કરો.
નબળાઈ જણાય તો તુરંત આરામ કરો
અન્ન-જળ વિના શરીરને પૂરતી ઉર્જા મળતી નથી. તેના કારણે માથાનો દુખાવો, આળસ કે નબળાઈ અનુભવવી સ્વાભાવિક છે. જો આવું થાય, તો ઘરના કામો છોડીને તરત જ આરામની સ્થિતિમાં આવી જાવ. શરીર પર બિલકુલ તાણ ન વધારવો.
ભારે શારીરિક શ્રમ કે કસરત ટાળો
આજના દિવસે જિમ જવું, દોડવું, વજન ઉપાડવું કે લાંબી મુસાફરી કરવા જેવા સખત કાર્યો બિલકુલ ન કરવા જોઈએ. તેનાથી હાર્ટ રેટ વધી શકે છે અને શરીર ઝડપથી થાકી જાય છે. ભગવાનની ભક્તિ અને હળવી દિનચર્યા જ આજના દિવસ માટે શ્રેષ્ઠ છે.
પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ જાળવો
વ્રત દરમિયાન શરીર પોતાની ઉર્જા બચાવવાનો પ્રયાસ કરે છે. તેથી 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. ક્રોધ, ચિંતા કે માનસિક તણાવથી દૂર રહો, કારણ કે માનસિક તણાવ શારીરિક થાકને બમણો કરી દે છે.
કટોકટીની સ્થિતિમાં સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિકતા આપો
જો તમને અતિશય ચક્કર આવે, આંખો સામે અંધારા આવી જાય, ગભરામણ થાય, બ્લડ પ્રેશર ઘટી જાય કે તમે બેભાન જેવી સ્થિતિ અનુભવો, તો તેને અવગણશો નહીં. હિન્દુ શાસ્ત્રોમાં પણ 'પહેલું સુખ તે જાતે નર્યા' અને 'જીવ રક્ષા'ને સર્વોપરી માનવામાં આવી છે. જો સ્વાસ્થ્ય બગડે તો તરત જ વ્રત તોડીને લીંબુ પાણી અથવા ORS નું દ્રાવણ પી લેવું જોઈએ અને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પારણા કરતી વખતે રાખવાની સાવચેતી
બીજા દિવસે વ્રત ખોલતી વખતે ક્યારેય ભૂલથી પણ સીધું ભારે ભોજન, તળેલી વસ્તુઓ કે ચા-કોફી ન લેવા જોઈએ. લાંબા સમય સુધી પેટ ખાલી હોવાથી પાચનતંત્ર ધીમું પડી ગયું હોય છે. તેથી પારણાની શરૂઆત હંમેશા નવશેકા પાણી, લીંબુ પાણી અથવા ફળોના રસથી જ કરવી જોઈએ, જેથી પેટમાં દુખાવો કે ગેસ ન થાય.
