Paneer Masala Recipe: ઘરે કંઈક સ્પેશિયલ અને સ્વાદિષ્ટ શાક બનાવવાનું મન થાય તો પનીર મસાલા એક બેસ્ટ વિકલ્પ છે. પનીરના ટુકડા અને મસાલેદાર, ઘટ્ટ ગ્રેવીનું કોમ્બિનેશન દરેકને પસંદ આવે છે. સામાન્ય રીતે હોટેલમાં મળતું પનીર મસાલા ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ પનીર મસાલા બનાવવાની રીત અને ગ્રેવીને હોટેલ જેવી બનાવવાની કેટલીક ખાસ ટિપ્સ.
પનીર મસાલા બનાવવા માટેની સામગ્રી
- પનીર – 250 ગ્રામ
- સમારેલી ડુંગળી – 2 નંગ
- ટામેટાં – 3 નંગ
- આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
- લીલા મરચાં – 2 નંગ
- કાજુ – 10થી 12 નંગ
- દહીં – 2 ચમચી
- તાજી ક્રીમ – 2 ચમચી
- હળદર – અડધી ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- ધાણાજીરું પાવડર – 1 ચમચી
- ગરમ મસાલો – અડધી ચમચી
- કસૂરી મેથી – 1 ચમચી
- જીરું – અડધી ચમચી
- તેલ અને બટર – જરૂર મુજબ
- મીઠું – સ્વાદ અનુસાર
- કોથમીર – સજાવટ માટે
પનીર મસાલા બનાવવાની રીત
સૌથી પહેલાં પનીરના ચોરસ ટુકડા કરી લો. હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી પનીરના ટુકડાને હળવા ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેને નવશેકા પાણીમાં થોડીવાર રાખો, જેથી પનીર નરમ રહે.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી હળવી બ્રાઉન થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાખીને સાંતળો. ત્યારબાદ ટામેટાં અને કાજુ ઉમેરી બરાબર ચઢવા દો. મિશ્રણ ઠંડું થાય પછી તેને મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
બીજી કડાઈમાં બટર ગરમ કરી જીરું ઉમેરો. હવે તૈયાર કરેલી પેસ્ટ નાખીને ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં દહીં અને થોડું પાણી ઉમેરી ગ્રેવીને ધીમા તાપે ઉકળવા દો. હવે તેમાં પનીરના ટુકડા નાખી 4થી 5 મિનિટ ચઢવા દો. છેલ્લે ગરમ મસાલો, કસૂરી મેથી અને તાજી ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપરથી કોથમીરથી સજાવી લો. તૈયાર છે ગરમાગરમ હોટેલ સ્ટાઇલ પનીર મસાલા.
પનીર મસાલાની ગ્રેવીને હોટેલ જેવી બનાવવાની ટિપ્સ
- ગ્રેવીને સ્મૂધ બનાવવા માટે ડુંગળી, ટામેટાં અને કાજુની પેસ્ટ બારીક પીસવી.
- પનીરને વધારે સમય સુધી તળવું નહીં, નહીં તો તે કડક થઈ શકે છે.
- ગ્રેવીને ધીમા તાપે સારી રીતે પકવવાથી મસાલાનો સ્વાદ સરસ રીતે ભળી જાય છે.
- છેલ્લે કસૂરી મેથીને હાથથી મસળીને ઉમેરવાથી શાકની સુગંધ વધી જાય છે.
- રેસ્ટોરન્ટ જેવો ક્રીમી સ્વાદ મેળવવા માટે છેલ્લે તાજી ક્રીમ અને થોડું બટર ઉમેરો.
