Makai Na Dhokla Recipe: શિયાળાની ઋતુમાં મકાઈની વાનગીઓ ખાવાની મજા જ અલગ હોય છે. જો તમે રોજના નાસ્તામાં કંઈક નવું અને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોવ તો મકાઈના લાઈવ ઢોકળા સારો વિકલ્પ છે. આ ઢોકળા બહારથી સરસ અને અંદરથી એકદમ પોચા તથા જાળીદાર બને છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે કલાકો સુધી ખીરું આથવા મૂકવાની જરૂર નથી. તો ચાલો જાણીએ 30 મિનિટમાં તૈયાર થતી આ રેસીપી.
મકાઈના ઢોકળા બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો
- મકાઈનો લોટ – 1 કપ
- ઝીણો રવો – ¼ કપ
- ખાટું દહીં – ½ કપ
- બાફેલા મકાઈના દાણા – ½ કપ
- આદુ-લીલાં મરચાંની પેસ્ટ – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- ખાંડ – 1 ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
- ઇનો ફ્રૂટ સોલ્ટ – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – 2 ચમચી
- પાણી – જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ – 1 ચમચી
- રાઈ – 1 ચમચી
- તલ – 1 ચમચી
- હિંગ – 1 ચપટી
- મીઠા લીમડાનાં પાન – 6થી 8
- લીલાં મરચાં – 2
- કોથમીર – થોડી
મકાઈના લાઈવ ઢોકળા બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં મકાઈનો લોટ અને રવો લો. તેમાં ખાટું દહીં, હળદર, મીઠું, ખાંડ અને આદુ-લીલાં મરચાંની પેસ્ટ ઉમેરો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને ગાંઠ વગરનું ઘટ્ટ પરંતુ સહેલાઈથી રેડી શકાય તેવું ખીરું તૈયાર કરો.
હવે બાફેલા મકાઈના દાણાને મિક્સરમાં અધકચરા પીસી લો. આ પેસ્ટને તૈયાર કરેલા ખીરામાં ઉમેરો. સાથે લીંબુનો રસ અને એક ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરો. ખીરાને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો, જેથી રવો અને મકાઈનો લોટ સારી રીતે ભેજ શોષી લે.
બીજી તરફ ઢોકળિયા અથવા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાવીને તૈયાર રાખો. હવે ખીરામાં ઇનો ઉમેરો અને હળવા હાથે એક જ દિશામાં મિક્સ કરો. ઇનો ઉમેર્યા પછી ખીરું વધારે સમય રાખવું નહીં, તરત જ તેને તેલ લગાવેલી થાળીમાં પાથરી દો.
હવે થાળીને ગરમ સ્ટીમરમાં મૂકી ઢાંકણ બંધ કરી મધ્યમથી તેજ આંચ પર લગભગ 15થી 20 મિનિટ સુધી બાફો. ઢોકળા બરાબર ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે વચ્ચે ટૂથપીક નાખો. જો તે સાફ બહાર આવે તો ઢોકળા તૈયાર છે.
હવે વઘાર માટે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, હિંગ, મીઠા લીમડાનાં પાન અને વચ્ચેથી કાપેલાં લીલાં મરચાં ઉમેરો. રાઈ તતડે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર વઘાર ગરમાગરમ ઢોકળા પર રેડો.
છેલ્લે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવો અને ઢોકળાને ચોરસ ટુકડામાં કાપી લો. તૈયાર છે મકાઈના પોચા અને જાળીદાર લાઈવ ઢોકળા. તેને લીલી ચટણી અથવા લસણની ચટણી સાથે ગરમાગરમ પીરસો.
પોચા અને જાળીદાર ઢોકળા બનાવવા માટે ખાસ ધ્યાન રાખો
ખીરું વધારે ઘટ્ટ ન રાખવું, જરૂર મુજબ પાણી ઉમેરીને યોગ્ય ઘટ્ટતા લાવવી. ઇનો હંમેશાં સ્ટીમમાં મૂકતાં પહેલાં જ ઉમેરવો. ઇનો નાખ્યા પછી ખીરાને વધારે હલાવવું નહીં, જેથી ઢોકળામાં સરસ જાળી પડે. સ્ટીમર પહેલેથી ગરમ હોવો પણ જરૂરી છે.
