Dana Muthiya Nu Shaak Recipe: ગુજરાતી ભોજનમાં શાકની અનેક વાનગીઓ લોકપ્રિય છે, પરંતુ મેથીના મુઠિયાનું શાક સ્વાદમાં કંઈક અલગ જ હોય છે. મેથીની ભાજી, તાજા તુવેરના દાણા અને મસાલેદાર ગ્રેવી સાથે બનતું આ શાક શિયાળાની ઋતુમાં ખાસ પસંદ આવે છે. ખાસ વાત એ છે કે તેને પ્રેશર કૂકરમાં ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ ઘરે જ સ્વાદિષ્ટ મેથીના મુઠિયાનું શાક બનાવવાની રીત.
મેથીના મુઠિયાનું શાક બનાવવા માટેની સામગ્રી
મુઠિયા બનાવવા માટે
- 1 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી
- 1 કપ કોથમીર
- ¼ કપ ચણાનો લોટ
- ¼ કપ ઘઉંનો લોટ
- 2 ચમચી રવો
- 2 ચમચી સફેદ તલ
- 2 ચમચી ખાંડ
- 2 ચમચી તેલ
- 1 ચમચી આદુ-મરચાં-લસણની પેસ્ટ
- ½ ચમચી હળદર અને લાલ મરચું પાવડર
- 2 ચમચી ધાણા-જીરું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- લીંબુનો રસ, અજમો, હિંગ અને મીઠું
- ચપટી ખાવાનો સોડા
શાકની ગ્રેવી માટે
- 1 કપથી થોડા વધારે તાજા મેથીનાં પાન
- 1 કપ તુવેરના દાણા
- 2 સમારેલા ટામેટાં
- 1 ચમચી અજમો
- 2 સૂકાં લાલ મરચાં
- 1 ચમચી આદુ-મરચાં-લસણની પેસ્ટ
- 1 ચમચી હળદર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 2 ચમચી ધાણા-જીરું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી ગોળ અથવા ખાંડ
- મીઠું, તેલ અને જરૂર મુજબ પાણી
તુવેરના દાણા મુઠીયાનું શાક બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં સમારેલી મેથી અને કોથમીર લો. તેમાં મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, ગરમ મસાલો, ધાણા-જીરું પાવડર, અજમો, ખાંડ, તલ અને લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ આદુ-મરચાં-લસણની પેસ્ટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, રવો, તેલ અને ચપટી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને મધ્યમ કઠણ લોટ બાંધો. હાથ પર થોડું તેલ લગાવી નાના-નાના મુઠિયા બનાવી લો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી મધ્યમ આંચ પર મુઠિયાને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. મુઠિયા તળાઈ જાય એટલે તેને પેપર ટોવેલ પર કાઢી લો, જેથી વધારાનું તેલ નીકળી જાય.
હવે પ્રેશર કૂકરમાં થોડું તેલ ગરમ કરો. તેમાં અજમો અને સૂકાં લાલ મરચાં ઉમેરો. ત્યારબાદ ધોયેલાં મેથીનાં પાન નાખીને સાંતળો. તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરીને થોડીવાર પકાવો. હવે સમારેલા ટામેટાં અને મીઠું ઉમેરો. ટામેટાં નરમ થાય એટલે હળદર, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો અને ધાણા-જીરું પાવડર નાખીને મસાલાને બરાબર સાંતળો.
ત્યારબાદ તેમાં તુવેરના દાણા ઉમેરીને થોડીવાર પકાવો. હવે જરૂર મુજબ પાણી, ગોળ અથવા ખાંડ અને ચપટી ખાવાનો સોડા ઉમેરો. ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં 4થી 5 તળેલા મુઠિયા નાખીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ આંચ પર 3 સીટી થાય ત્યાં સુધી પકાવો.
કૂકરનું પ્રેશર આપમેળે નીકળી જાય પછી ઢાંકણ ખોલો. શાકને હળવા હાથે હલાવી ઉપરથી તાજી કોથમીર ભભરાવો. તૈયાર છે સ્વાદિષ્ટ મેથીના મુઠિયાનું શાક. તેને ગરમાગરમ બાજરીના રોટલા, પરાઠા, રોટલી કે ભાત સાથે પીરસો.
