Chowmein Recipe in Gujarati: બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ચાઉમીન ખાવાનું પસંદ હોય છે. ખાસ કરીને સ્ટ્રીટ સ્ટાઇલ ચાઉમીનનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. પરંતુ ઘરે બનાવેલી ચાઉમીન ઘણીવાર બજાર જેવી બનતી નથી. આજે અમે તમને નૂડલ્સને યોગ્ય રીતે ઉકાળવાથી લઈને રોસ્ટ કરવાની ખાસ રીત જણાવીશું, જેનાથી ઘરે પણ ચટપટી અને ટેસ્ટી ચાઉમીન બનાવી શકશો.
ચાઉમીન બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ ચાઉમીન નૂડલ્સ
- 1 ગાજર (લાંબી સમારેલી)
- 1 કપ ઝીણી સમારેલી કોબી
- 1 ડુંગળી (લાંબી સમારેલી)
- 1 કેપ્સિકમ
- 2 લીલા મરચાં
- 4-5 લસણની કળી
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 2 ચમચી ટામેટો સોસ
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 લીંબુનો રસ
- 2 ચમચી તેલ
- ઝીણી સમારેલી સ્પ્રિંગ ઓનિયન
- સ્વાદ મુજબ મીઠું
- થોડો વિનેગર અને સોયા સોસ (વૈકલ્પિક)
ચાઉમીન બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં નૂડલ્સ ઉમેરો. નૂડલ્સને લગભગ 3થી 4 મિનિટ સુધી 70-80 ટકા જ બાફો. ધ્યાન રાખો કે નૂડલ્સ વધારે બફાઈ ન જાય, નહીં તો ચાઉમીન ચીકણી થઈ શકે છે.
હવે નૂડલ્સને ચારણીમાં કાઢી લો અને વધારાનું પાણી નિતારી લો. તેને ઠંડા પાણીથી ધોવાની જરૂર નથી. એક મોટી થાળીમાં નૂડલ્સ ફેલાવીને લગભગ 10 મિનિટ સુધી ઠંડી થવા દો, જેથી તેની વરાળ નીકળી જાય. ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખીને હળવા હાથે મિક્સ કરો, જેથી નૂડલ્સ છૂટી પડે.
હવે એક સ્ટીલની કડાઈને ગેસ પર મૂકી સારી રીતે ગરમ કરો. કડાઈમાં થોડું તેલ લગાવીને ફેલાવો. કડાઈ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં બાફેલી નૂડલ્સ નાખો. હાઈ ફ્લેમ પર લગભગ 2 મિનિટ સુધી નૂડલ્સને હળવા હાથે રોસ્ટ કરો. તેના પર થોડા બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગે એટલે બહાર કાઢી લો. આ ખાસ ટ્રિકથી નૂડલ્સમાં બજાર જેવો સ્મોકી અને રોસ્ટેડ સ્વાદ આવશે.
હવે એ જ કડાઈમાં લસણ અને લીલાં મરચાં નાખીને થોડા સેકો. ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીને હાઈ ફ્લેમ પર દોઢ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં થોડું તેલ નાખીને ગાજર ઉમેરો અને 30થી 40 સેકન્ડ સુધી પકાવો.
ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ અને સમારેલી કોબી ઉમેરો. લગભગ 15થી 20 સેકન્ડ સુધી બધું બરાબર મિક્સ કરો. હવે તેમાં રોસ્ટ કરેલી નૂડલ્સ નાખો.
છેલ્લે સ્વાદ મુજબ મીઠું, ટામેટો સોસ, લાલ મરચું પાવડર અને લીંબુનો રસ ઉમેરો. ઈચ્છા હોય તો થોડો સોયા સોસ, વિનેગર અથવા ચીલી સોસ પણ ઉમેરી શકો છો. ઉપરથી સ્પ્રિંગ ઓનિયન નાખીને ચિમટાની મદદથી નૂડલ્સને હળવા હાથે મિક્સ કરો.
તો તૈયાર છે ગરમાગરમ અને ચટપટી બજાર જેવી ચાઉમીન. તેને પ્લેટમાં કાઢીને ટામેટો સોસ સાથે સર્વ કરો.
