Kathiyawadi Vaghareli Khichdi Recipe: શિયાળામાં ઠંડીના દિવસોમાં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ખાસ કરીને ઠંડીના વાતાવરણમાં ગરમાગરમ અને સ્વાદિષ્ટ ખીચડી મળી જાય તો જમવાની મજા બમણી થઈ જાય છે. જો તમે પણ રોજ એકસરખું ભોજન ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે ઘરે બનાવો કાઠિયાવાડી વઘારેલી ખીચડી. તેમાં અલગ-અલગ દાળ, ચોખા અને શિયાળામાં મળતાં તાજાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘી, લસણ અને મસાલાનો વઘાર તેના સ્વાદમાં વધારો કરે છે. આ ખીચડી કઢી, પાપડ, અથાણું કે છાશ સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવવા માટેની સામગ્રી
- ચોખા – પોણી વાટકી
- ફોતરાવાળી મગની દાળ – ¼ કપ
- પીળી મગની દાળ – ¼ કપ
- તુવેરની દાળ – ¼ કપ
- અડદની દાળ – 2 ટેબલસ્પૂન
- ફ્લાવર – ¼ કપ
- લીલા વટાણા – ¼ કપ
- રીંગણ – ¼ કપ
- તુવેરના દાણા – ¼ કપ
- ટીંડોળાં – ¼ કપથી થોડાં વધારે
- ફણસી – ¼ કપ
- ગાજર – ¼ કપ
- બટાકું – 1 નાનું
- સીંગદાણા – ¼ કપ
- મીઠું – સ્વાદ મુજબ
- હળદર – 1 ટીસ્પૂનથી થોડી વધારે
- પાણી – 5 કપ
વઘાર માટેની સામગ્રી
- ઘી – 2 ટેબલસ્પૂન
- જીરું – 1½ ટીસ્પૂન
- તમાલપત્ર – 1
- સૂકાં લાલ મરચાં – 2
- લીલું મરચું – 1
- મીઠો લીમડો – થોડાં પાન
- હિંગ – ½ ટીસ્પૂન
- ડુંગળી – 1 નાની
- ટામેટાં – 2 નાનાં
- આદુ – 2 નાના ટુકડા
- લસણ – 10થી 12 કળી
- લાલ મરચું પાઉડર – 3 ટીસ્પૂન
- ધાણાજીરું પાઉડર – 2 ટીસ્પૂન
- ગરમ મસાલો – ¼ ટીસ્પૂન
કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચોખા, ફોતરાવાળી મગની દાળ, પીળી મગની દાળ, તુવેરની દાળ અને અડદની દાળ લો. હવે તેને 3થી 4 પાણીથી સારી રીતે ધોઈ લો. દાળ અને ચોખાને અલગથી પલાળવાની જરૂર નથી. જોકે, તમારી પાસે સમય હોય તો તેને થોડા સમય માટે પલાળી પણ શકો છો.
હવે પ્રેશર કૂકરમાં ધોયેલા દાળ-ચોખા નાખો. તેમાં સમારેલું ફ્લાવર, લીલા વટાણા, રીંગણ, તુવેરના દાણા, ટીંડોળાં, ફણસી, ગાજર અને બટાકાના ટુકડા ઉમેરો. ત્યારબાદ કાચા સીંગદાણા, મીઠું અને હળદર નાખી દો. તેમાં 5 કપ પાણી ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. હવે કૂકરનું ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર એક સીટી અને ત્યારબાદ મિડિયમ ફ્લેમ પર ત્રણ સીટી વગાડો. ખીચડી બરાબર બફાઈ જાય ત્યાં સુધી તેને કૂકરમાં રહેવા દો. આ દરમિયાન વઘાર માટેની તૈયારી કરી લઈએ.
સૌપ્રથમ આદુ અને લસણને મિક્સરમાં અથવા ખાંડણીમાં વાટી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરીને ફરીથી વાટી મસાલાની પેસ્ટ તૈયાર કરી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર અને સૂકાં લાલ મરચાં ઉમેરો. થોડાં સાંતળાઈ જાય એટલે લીલું મરચું, મીઠા લીમડાનાં પાન અને હિંગ ઉમેરો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખીને 3થી 4 મિનિટ સુધી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.
ડુંગળી બરાબર સાંતળાઈ જાય એટલે તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં અને થોડું મીઠું ઉમેરો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તૈયાર કરેલી આદુ, લસણ અને લાલ મરચાની પેસ્ટ ઉમેરીને 3થી 4 મિનિટ સુધી ધીમા તાપે સાંતળો. મસાલામાંથી ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. ગરમ મસાલો ઉમેરવો વૈકલ્પિક છે.
હવે કૂકરનું પ્રેશર સંપૂર્ણપણે નીકળી જાય એટલે તેમાં બફાયેલી ખીચડીને તૈયાર વઘારમાં ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. ખીચડી વધારે ઘટ્ટ લાગે તો તેમાં જરૂરિયાત મુજબ ગરમ પાણી ઉમેરો. સામાન્ય રીતે અડધો કપથી એક કપ જેટલું ગરમ પાણી ઉમેરી શકાય છે. મીઠું ચાખીને જરૂર મુજબ એડજસ્ટ કરી લો.
થોડીવાર ખીચડીને ધીમા તાપે ઉકળવા દો, જેથી વઘારનો સ્વાદ દાળ અને ચોખામાં સારી રીતે ભળી જાય. ત્યારબાદ ઉપરથી લીલા ધાણા અને થોડું ઘી નાખીને ગરમાગરમ સર્વ કરો. આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ કાઠિયાવાડી વઘારેલી ખીચડી. તેને ગરમાગરમ કઢી, પાપડ, અથાણું, દહીં કે છાશ સાથે પીરસી શકો છો. શિયાળાની ઠંડીમાં રાત્રિના ભોજન માટે આ ખીચડી એક સરસ વિકલ્પ છે.
