Green Chilli Chutney recipe: ગુજરાતી થાળીમાં અથાણું અને ચટણી હોય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. ખાસ કરીને તીખું અને ચટપટું ખાવાના શોખીન લોકોને લીલા મરચાંની ચટણી ખૂબ પસંદ આવે છે. જો તમે પણ રોજના ભોજનમાં કંઈક નવું અને સ્વાદિષ્ટ ઉમેરવા માંગતા હોવ તો લસણ અને મસાલાથી તૈયાર થતી આ લીલા મરચાંની ચટણી ઘરે બનાવી શકો છો. રોટલી, પરાઠા, થેપલા કે દાળ-ભાત સાથે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.
લીલા મરચાંની ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા મરચાં – 200 ગ્રામ
- લસણની કળી – 12થી 15
- જીરું – 1 નાની ચમચી
- વરિયાળી – 1 નાની ચમચી
- રાઈ – અડધી નાની ચમચી
- લીંબુનો રસ – 3 મોટી ચમચી
- સરસવનું તેલ – 4 મોટી ચમચી
- હિંગ – 2 ચપટી
- હળદર – અડધી નાની ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
લીલા મરચાંની ચટણી બનાવવાની રીત
સૌથી પહેલાં લીલા મરચાંને પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને એક સ્વચ્છ સુતરાઉ કપડા પર ફેલાવીને મૂકી દો, જેથી મરચાં પર રહેલું પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય. મરચાંમાં ભેજ રહી જાય તો ચટણી લાંબો સમય સારી રહેવામાં મુશ્કેલી થઈ શકે છે. હવે મરચાંના ડીંટિયા કાઢીને અલગ કરી લો.
ત્યારબાદ મિક્સર જારમાં લીલા મરચાં અને છોલેલી લસણની કળીઓ નાખો. હવે મિક્સરને સતત ચલાવવાને બદલે થોડી-થોડી સેકન્ડ માટે પલ્સ મોડ પર ચલાવો. ધ્યાન રાખો કે મરચાં અને લસણની એકદમ બારીક પેસ્ટ બનાવવાની નથી. તેને અધકચરા અને દરદરા રહેવા દો, જેથી ચટણીમાં મરચાં અને લસણનો સ્વાદ બરાબર જળવાઈ રહે.
હવે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં સરસવનું તેલ ઉમેરો. તેલને મધ્યમ આંચ પર સારી રીતે ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં હિંગ, જીરું, વરિયાળી અને રાઈ ઉમેરો. મસાલા બરાબર તતડે અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી થોડીવાર રહેવા દો.
હવે આ વઘારમાં મિક્સરમાં તૈયાર કરેલું મરચાં અને લસણનું મિશ્રણ ધીમેથી ઉમેરો. મરચાં ઉમેરતી વખતે સાવધાની રાખવી, કારણ કે ગરમ તેલના છાંટા ઊડી શકે છે. ત્યારબાદ તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
ચટણીને ધીમી આંચ પર લગભગ 4થી 5 મિનિટ સુધી સતત હલાવતા રહો. આ દરમિયાન મરચાંનો કાચો સ્વાદ દૂર થશે અને મસાલા પણ તેમાં સરસ રીતે ભળી જશે. જ્યારે ચટણી થોડી શેકાઈ જાય અને કડાઈની કિનારીઓ પર તેલ છૂટું પડતું દેખાય ત્યારે ગેસ બંધ કરી દો.
હવે ચટણીને થોડી ઠંડી થવા દો. ત્યારબાદ તેમાં તાજો લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. લીંબુનો રસ ઉમેરવાથી ચટણીમાં હળવી ખટાશ આવશે, જે તેના તીખા સ્વાદને વધુ મજેદાર બનાવશે.
બસ, તૈયાર છે લસણ અને મસાલાના સ્વાદથી ભરપૂર ચટપટી લીલા મરચાંની ચટણી. તેને રોટલી, પરાઠા, થેપલા કે દાળ-ભાત સાથે પીરસી શકો છો. ચટણીને હંમેશાં સ્વચ્છ અને સંપૂર્ણ સૂકા કાચના જારમાં ભરીને ફ્રિજમાં રાખો. ચટણી કાઢવા માટે પણ સૂકી ચમચીનો ઉપયોગ કરો.
