Khajur Pak: બજારમાંથી ખરીદવાને બદલે ઘરે બનાવો ખજૂર પાક, માત્ર ઓછા ખર્ચે તૈયાર થશે 1.5 કિલો પાક

શિયાળામાં ખજૂર પાક ખાવાની મજા જ અલગ છે. હવે બજારમાંથી મોંઘો ખજૂર પાક ખરીદવાને બદલે ઘરે જ બનાવો 1.5 કિલો સ્વાદિષ્ટ ખજૂર પાક. જાણો સરળ રેસીપી અને બનાવવાની રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 23 Nov 2026 11:00 AM (IST)Updated: Mon, 23 Nov 2026 11:00 AM (IST)
how-to-make-15-kg-khajur-pak-at-home-new-and-low-budget-recipe

Khajur Pak Recipe: શિયાળાની ઋતુમાં શરીરને ગરમાવો મળે તેવી મીઠાઈ ખાવાનું મન થાય છે. તેમાં પણ ખજૂર પાક એક એવી સ્વાદિષ્ટ વાનગી છે, જેનો સ્વાદ બાળકો અને મોટા દરેકને પસંદ આવે છે. બજારમાંથી ખજૂર પાક ખરીદવા જાવ તો તેના ભાવ પણ વધારે હોય છે. પરંતુ તમે ઘરે જ ઓછા ખર્ચે અંદાજે 1.5 કિલો ખજૂર પાક તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ તેની સામગ્રી અને બનાવવાની સાચી રીત.

ખજૂર પાક રેસીપી (Khajur Pak Recipe)

ખજૂર પાક બનાવવા માટેની સામગ્રી

  • ખજૂર (બીજ કાઢેલા) – 1 કિલો
  • ઘી – 200 ગ્રામ
  • માવો – 200 ગ્રામ
  • બદામ – 100 ગ્રામ
  • કાજુ – 100 ગ્રામ
  • પિસ્તા – 50 ગ્રામ
  • સૂકું કોપરું છીણેલું – 50 ગ્રામ
  • ગુંદર – 50 ગ્રામ
  • ખસખસ – 2 ચમચી
  • એલચી પાવડર – 1 નાની ચમચી
  • જાયફળ પાવડર – અડધી નાની ચમચી

ખજૂર પાક બનાવવાની રીત

સૌથી પહેલાં ખજૂરમાંથી બધાં બીજ કાઢી લો. ત્યારબાદ ખજૂરને નાના ટુકડામાં સમારી લો. જો ખજૂર વધારે કડક હોય તો તેને થોડા સમય માટે ગરમ દૂધમાં પલાળી શકો છો. જોકે નરમ ખજૂર હોય તો તેની જરૂર નથી. હવે મિક્સરમાં ખજૂરને થોડું ક્રશ કરી લો. એકદમ ઝીણી પેસ્ટ બનાવવાની જરૂર નથી.

હવે એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો. તેમાં ગુંદર નાખીને ધીમા તાપે તળી લો. ગુંદર ફૂલીને મોટો થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડો થવા દો અને પછી હળવો ભૂકો કરી લો.

એ જ કડાઈમાં બદામ, કાજુ અને પિસ્તાને નાના ટુકડામાં સમારીને થોડા ઘીમાં હળવા શેકી લો. ત્યારબાદ ખસખસ અને સૂકું કોપરું પણ અલગથી શેકી લો. ધ્યાન રાખો કે ડ્રાયફ્રૂટ્સ વધારે શેકાઈ ન જાય, નહીં તો તેનો સ્વાદ બદલાઈ શકે છે.

હવે કડાઈમાં બાકીનું ઘી ગરમ કરી તેમાં સમારેલા ખજૂર ઉમેરો. ધીમા તાપે ખજૂરને સતત હલાવતા રહો. ખજૂર ગરમ થઈને નરમ પડે અને ઘી સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને પકાવો. આ સમયે ગેસની આંચ ધીમી રાખવી ખૂબ જરૂરી છે, જેથી ખજૂર તળિયે ચોંટી ન જાય.

ખજૂર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં માવો ઉમેરો. માવો અને ખજૂર એકરસ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે તેમાં શેકેલા બદામ, કાજુ, પિસ્તા, કોપરું, ખસખસ અને ગુંદરનો ભૂકો ઉમેરી દો. છેલ્લે એલચી પાવડર અને જાયફળ પાવડર નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

હવે એક મોટી થાળીમાં અથવા ટ્રેમાં ઘી લગાવી લો. તૈયાર કરેલા ખજૂરના મિશ્રણને તેમાં નાખીને ચમચી અથવા વાટકીની મદદથી સરખી રીતે ફેલાવી દો. ઉપરથી થોડા પિસ્તા અને બદામની કતરણ લગાવી શકો છો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેને મનપસંદ આકારમાં કાપવા માટે હળવા નિશાન પાડી દો.

ખજૂર પાકને સંપૂર્ણ ઠંડો થવા દો. ત્યારબાદ તેના ટુકડા કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને દાણેદાર ખજૂર પાક, જેને તમે ઘરે બનાવીને પરિવાર સાથે માણી શકો છો.