Swami Ramdev Fitness Mantra: ભારતીય રસોડામાં ઘી એક ખૂબ જ અગત્યની સામગ્રી છે, જેનો ઉપયોગ લગભગ દરેક વાનગી બનાવવામાં થતો હોય છે. ઘી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને સવારે ખાલી પેટે ઘીનું સેવન સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. યોગગુરુ સ્વામી રામદેવે તેમના યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તેઓએ ખાલી પેટે ઘી ખાવાના કેટલાક ફાયદા જણાવ્યા છે.
આયુર્વેદિક ઔષધી ઘી
આયુર્વેદમાં ઘીને અત્યંત પૌષ્ટિક અને પચવામાં સરળ માનવામાં આવે છે.જો તમે દરરોજ સવારે ખાલી પેટ યોગ્ય રીતે ઘી ખાવ, તો તે તમારા શરીર અને મગજ માટે અમૃતની માફક કામ કરે છે.
જો ઘી ખાવાના ફાયદા વિશે જાણીએ તો
- મેમરી બૂસ્ટર: આપણું મગજ લગભગ દોઢ કિલોનું હોય છે. જેની તંદુરસ્તી માટે સારું ફેટી એસિડ જરૂરી છે. ઘી મગજના ન્યુરોન્સને મજબૂત બનાવે છે અને યાદશક્તિ (મેમરી પાવર) વધારવામાં મદદ કરે છે.
- અલ્ઝાઈમરથી બચાવે: નિયમિત ઘીના સેવનથી મગજ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે અને અલ્ઝાઈમરથી પણ બચી શકાય છે.
- આંખોનું તેજ વધારે: ઘીમાં રહેલું વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- સ્કિન માટે લાભદાયી: ઘીમાં રહેલા પોષક તત્વો સ્કિન માટે ફાયદેમંદ નીવડે છે. જેનાથી ડલ સ્કિનમાં ચમક આવે છે.
- મજબૂત હાડકા: ઘી કેલ્શિયમ અને ફેટ મેટાબોલિઝ્મને સપોર્ટ કરે છે. જેનાથી માંસપેશીઓ અને હાંડકા મજબૂત બને છે.
- ઈમ્યુનિટી બૂસ્ટર: ઘી શરીરને ગંભીર રોગો સામે લડવાની શક્તિ આપે છે. જેના પરિણામે તમે ઈન્ફેક્શનથી બચી શકો છો.
- કબજિયાતમાં મુક્તિ: ઘી પાચન તંત્રને મજબૂત બનાવે છે. ઘીમાં રહેલા ગુણો મળને નરમ બનાવીને કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે.
ઘી ખાતી વખતે શું ધ્યાનમાં રાખવું?
યોગ ગુરુના જણાવ્યા પ્રમાણે, સૌ પ્રથમ સવારે ભૂખ્યા પેટે 1-2 ચમચી ગાયનું શુદ્ધ ઘી સહેજ હુંફાળું કરીને લેવું જોઈએ. જે બાદ એક ચપટી સિંધાલુણ લેવું જોઈએ અને પછી ઉપરથી 1-2 ગ્લાસ નવશેકુ પાણી પીવું જોઈએ.
ઘી ખાવાના ફાયદા હોવા છતાં તેને ખાતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે ઘી હંમેશા શુદ્ધ અને ઓર્ગેનિક હોવું જોઈએ. જેથી તેના ફાયદા તમને મળી શકે. વધારે પડતું ઘી ખાવાથી વજન વધી શકે છે. આ સિવાય ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને લિવર સબંધિત સમસ્યા ધરાવતા લોકોએ તબીબની સલાહ અનુસાર જ ઘીનું સેવન કરવું જોઈએ.