Peanut Skins Benefits: શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં ગરમાગરમ શેકેલી સીંગ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. આ સિઝનમાં ઘણાં લોકો સીંગની ચિક્કી ઉપરાંત અલગ-અલગ પાક બનાવવામાં પણ સીંગના દાણાનો ઉપયોગ કરતાં હોય છે.
જો કે આપણામાંથી મોટાભાગના લોકો સીંગના ઉપરના લાલ ફોતરાને ઉડાડીને જ તેને ખાવાનું પસંદ કરતાં હોય છે. જો કે કેટલાક લોકો ફોતરા સાથે સીંગ ચાવી જતા હોય છે. એવામાં સ્વાભાવિક છે કે, લોકોના મનમાં એક પ્રશ્ન અચૂક ઉઠે કે, સીંગ ફોતરા સાથે ખાવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન તો નહીં થાય ને?
આવું એટલા માટે કે, આપણા વડીલોને હંમેશા કહેતા સાંભળ્યા હશે કે, ફોતરા ઉડાડીને સીંગ ખાવ, નહીંતર ફોતરાથી પેટમાં ગેસ થઈ જશે. જો કે કેટલાક લોકો સીંગના ફોતરાને સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માની રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીંગદાણા અને તેના લાલ ફોતરા વિશે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આજ કારણોસર ઘણાં લોકો મૂંઝાઈ રહ્યા છે, તો ચાલો તમારી આ મુંઝવણને દૂર કરીએ..
પોષક તત્વોનો ખજાનો છે સીંગના ફોતરા
હકીકતમાં ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, સીંગદાણાના ફોતરા પોષક તત્વોનો ખજાનો છે. જેમાં ફાઈબર, એન્ટી ઑક્સિડેન્ટ, વિટામિન ઈ, બી6 સહિત અન્ય અનેક મિનરલ્સ મળી આવે છે. આથી હવે જો તમે સીંગ ખાતા હોવ તો તેના ફોંતરાને ફૂંક મારીને ઉડાડી દેતા હોવ તો એકવાર વિચારી લેજો.
સીંગદાણાના ફોતરાના ફાયદા પણ અને ગેરફાયદા પણ
હેલ્થ એક્સપર્ટ પણ કહે છે કે, સીંગદાણાના ફોંતરામાં પૉલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને શરીરના સેલ્સને ડેમેજ થતાં બચાવે છે. આટલું જ નહીં, ફોતરામાં ફાઈબર હોવાથી તે પાચન ક્રિયા પણ સુધારે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ફોતરા સાથે સીંગદાણા વધારે ખાશો, તો પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. સીંગદાણાના ફોતરામાં એન્ટી ઑક્સિડેન્ટ હોવાથી તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે હ્રદયને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
સીંગદાણાના ફોતરાના આટલા ફાયદા હોવા છતાં કેટલાક લોકોએ તેને ખાવાનું ટાળવું જ જોઈએ. ખાસ કરીને જો તેમને થાઈરોઈડની સમસ્યા હોય, તો તમારા માટે સીંગના ફોતરા નુકસાનદાયક નીવડી શકે છે. હકીકતમાં સીંગના ફોતરામાં ગોઈટ્રોજનિક કમ્પાઉન્ડ્સ હોય છે, જે થાઈરોઈડ ગ્લેન્ડની વર્કિંગ કેપિસિટીને અસર કરે છે. આ સિવાય ગેસની સમસ્યા રહેતી હોય તો ફોતરા સાથે સીંગ ખાવાનું ટાળવું જોઈએ.
