ISPL-3: સુરતના આંગણે સ્ટાર્સનો જમાવડો, અક્ષયકુમાર હેલિકૉપ્ટરથી કરશે એન્ટ્રી; 'માઝી મુંબઈ' અને 'શ્રીનગર કે વીર' વચ્ચે પ્રથમ મુકાબલો

બચ્ચન, તેંડુલકર અને સાઉથ સ્ટાર સૂર્યા એરપોર્ટ પર પહોંચતા ફેન્સની પડાપડી. અમિતાભ બચ્ચન એરપોર્ટથી સીધા સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહના અડાજણ સ્થિત ઘરે પહોંચ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Jan 2026 05:40 PM (IST)Updated: Fri, 09 Jan 2026 05:40 PM (IST)
surat-news-indian-street-premier-league-ispl-season-3-first-match-against-majhi-mumbai-vs-srinagar-ke-veer
HIGHLIGHTS
  • 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી કાર્યક્રમને હૉસ્ટ કરશે
  • ગલી ક્રિકેટના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પુરું પડાશે

Surat: શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સિઝન-3નો પ્રારંભ થઈ રહ્યો છે. જેની આજે ઑપનિંગ સેરેમનીને લઈને બૉલિવૂડ અને સ્પોર્ટ્સ સેક્ટરની દિગ્ગજ હસ્તીઓ સુરતની મહેમાન બનવાની છે.

આજે સુરત એરપોર્ટ પર અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સાઉથ સુપરસ્ટાર સૂર્યા સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ફેન્સ તેમની સાથે તસવીરો લેવા માટે પડાપડી કરી હતી. જે બાદ હોટલ પહોંચતા તમામ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ISPL-3ની ઑપનિંગ સેરેમનીમાં 200 ડાન્સર્સ શાનદાર પર્ફોમન્સ કરશે. જ્યારે 'અનુપમા' સીરિયલ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલી સમગ્ર કાર્યક્રમને હોસ્ટ કરવાની છે. આ સિવાય બૉલિવૂડના ખિલાડી અક્ષયકુમાર હેલિકૉપ્ટર મારફતે એન્ટ્રી કરવાનો છે.

પહેલા દિવસે ઑપનિંગ સેરેમનીમાં બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ખાસ હાજર રહેવાના છે. ખાસ વાત એ છે કે, આ ટૂર્નામેન્ટમાં સુરતના પણ ચાર ખેલાડીઓ છે.

અમિતાભ બચ્ચન સુરતના ઉદ્યોગપતિના ઘરે પહોંચ્યા
સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ અમિતાભ બચ્ચન સીધા ઉદ્યોગપતિ સુનિલ શાહના ઘરે પહોંચ્યા હતા. સુરતના અડાજણ સ્થિત કાસારિવેરા રેસિડન્સીમાં આવેલા સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચનને ઉતારો આપવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે, એક વખત અમિતાભ બચ્ચન પોતાના ઘરમાં પ્રવેશ કરે, તે બાદ સુનિલ શાહ સહિત તેમનો પરિવાર આ ઘરે રહેવા જવાના છે. આથી આજે તેમણે અમિતાભ બચ્ચનને પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.

ગલી ક્રિકેટના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પુરું પડાશે
ISPLનો મુખ્ય હેતુ ગલી કે સોસાયટી તેમજ લોકલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમતા પ્રતિભાશાળી યુવાનોને પ્રોફેશનલ પ્લેટફોર્મ પુરું પાડવાનો છે. આ લીગમાં દેશભરના અલગ-અલગ શહેરના ટેનિસ બૉલથી રમતા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

આજથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ આગામી 6 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. ISPLની ત્રીજી સિઝનમાં 8 ફ્રેન્ચાઈઝી 44 મેચ રમશે. પહેલા દિવસે સિઝનન શરૂઆતમાં ડિપેન્ડિંગ ચેમ્પિયન 'માઝી મુંબઈ' અને 'શ્રીનગર કે વીર' વચ્ચે મુકાબલો થશે.