Vadodara: કિવી ટીમ પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ જવા રવાના, હોટલ બહાર ડેરિલ મિશેલને મળવા પહોંચેલા દિવ્યાંગ ફેન્સની ઈચ્છા અધૂરી રહી

1995થી ક્રિકેટ જોઈ રહેલા મોહમ્મદ ઈરફાનને વિરાટ કોહલી અને રોહિત શર્માને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે ટીમ ઈન્ડિયાને મળવા હોટલ હયાત પેલેસ જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Jan 2026 04:47 PM (IST)Updated: Fri, 09 Jan 2026 04:47 PM (IST)
vadodara-news-kiwi-team-leaves-for-stadium-for-practice
HIGHLIGHTS
  • ટીમ ઈન્ડિયા સાંજે સાડા પાંચે કોટંબી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે

Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા બંને ટીમો તૈયારીમાં વ્યસ્ત બની છે અને કોટંબી સ્ટેડિયમમાં સતત નેટ પ્રેક્ટિસ કરી રહી છે.

ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે આજે પણ ન્યૂઝીલેન્ડની ટીમ પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ તરફ રવાના થઈ હતી.

આજે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટેલ ITC વેલકમથી કોટંબી સ્ટેડિયમ પહોંચી હતી. કિવી ટીમના ખેલાડીઓ બસમાં સવાર થઈને સ્ટેડિયમ પહોંચ્યા બાદ નેટ્સમાં પરસેવો પાડી રહ્યા છે. ટીમના આગમન સાથે જ હોટેલની બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.આ દરમિયાન માત્ર અઢી ફૂટ ઊંચાઈ ધરાવતા એક દિવ્યાંગ ચાહકે પણ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, તેઓ 1995થી ક્રિકેટ જોઈ રહ્યા છે અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ડેરિલ મિશેલને મળવા ખાસ આવ્યા છે. આ સાથે જ તેમણે ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને મળવા આવેલા ચાહક મોહમ્મદ ઈરફાને જણાવ્યું હતું કે, તેમને 15 દિવસ પહેલાં ખબર પડી હતી કે બંને ટીમો વડોદરા આવવાની છે. જે બાદ તેઓ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં આવ્યા હતા અને આજે સવારે મુલાકાત થવાની આશાએ ઠંડીમાં સવારના પોણા દસ વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી મુલાકાત ન થઈ શકતા તેઓ હવે હયાત પેલેસ ખાતે ટીમ ઇન્ડિયાને મળવા જવાના હોવાનું જણાવ્યું હતું.

ઈરફાને વધુમાં કહ્યું હતું કે, તેઓ 1995થી ક્રિકેટના ચાહક છે અને અગાઉ સલમાન ખાન, આમિર ખાન, સોનુ સૂદ, જોની લીવર સહિત અનેક સેલિબ્રિટીઝ અને ઈરફાન પઠાણ જેવા ક્રિકેટરોને મળી ચૂક્યા છે. તેમની ખાસ ઇચ્છા ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ અને ભારતીય ટીમના વિરાટ કોહલી તથા રોહિત શર્માને મળવાની છે.

આ તરફ આજે સાંજે 5.30 વાગ્યે ભારતીય ટીમ પણ કોટંબી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ સિરીઝમાં સકારાત્મક શરૂઆત કરવા આતુર છે. વિરાટ કોહલીએ તાજેતરમાં પ્રેક્ટિસ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા ચાહકોમાં ઉત્સાહ વધુ વધ્યો છે.