Surat: ઉત્તરાયણ પૂર્વે LCBનો સપાટો, વરાછામાંથી ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપાયું; રૂ.41 લાખનો મુદ્દામાલ જપ્ત

વર્ધમાન, એચપી, કોટ્સ જેવી કંપનીની પતંગની દોરીની ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી. AK 56, સાંકળ 8, પાંડા, RDX અને અગ્નિ જેવી બ્રાન્ડના સ્ટીકરો મળી આવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Jan 2026 04:31 PM (IST)Updated: Fri, 09 Jan 2026 04:31 PM (IST)
surat-news-lcb-busted-duplicate-kite-thread-godown-seized-rs-41-lakh
HIGHLIGHTS
  • અમદાવાદથી કાચો માલ લાવીને અહીંના સ્ટીકર મારીને વેચાણ કરવામાં આવતું હતુ

Surat: ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શું તમે ડુપ્લિકેટ દોરી તો ખરીદી રહ્યા નથી ને કારણ કે સુરતના વરાછા વિસ્તારમાં નામચીન કંપનીની ડુપ્લીકેટ પતંગની દોરીનું ગોડાઉન પોલીસે ઝડપી પાડ્યું છે. વરાછા તથા ઝોન ૧ એલસીબી પોલીસની ટીમે રેડ કરી 41.29 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં વરાછા અને ઝોન 1 એલસીબી પોલીસની ટીમે વરાછા મારુતિ ચોક પાસે સંતોષીનગર ખાતે આવેલી મધુરમ સિઝન સ્ટોર નામની દુકાન તથા ગોડાઉનમાં રેડ કરી હતી. જ્યાંથી 41.28 લાખની કિંમતના અલગ અલગ કંપનીના 5310 નંગ દોરીના બોબિન, અલગ અલગ કંપનીના સ્ટીકરો, બોબીન પર સ્ટીકર પેકિંગ કરવાનું મશીન તેમજ સ્ટીકર વગરના 414 નંગ બોબીન જપ્ત કર્યા હતા.

ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરાછા એલએચ રોડ સંતોષીનગર સોસાયટીમાં વરાછા તથા ઝોન 1 LCB પોલીસની ટીમે ડુપ્લિકેટ પતંગની દોરી બનાવવાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે.

મધુરમ સિઝન સ્ટોર નામની દુકાન છે અને તેની પાસે જ ગોડાઉન પણ આવેલું છે. પોલીસને બાતમી મળી હતી કે, અહીંયા જાણીતી કંપની જેવી કે વર્ધમાન, એચપી, કોટ્સ જેવી કંપનીની પતંગની દોરીને ડુપ્લિકેટ બનાવવામાં આવે છે. આ માટે તેઓ અમદાવાદથી કાચો માલ લાવીને અહિયાં લેબલ લગાડીને સસ્તા ભાવે વેચાણ કરે છે.

naidunia_image

આ બાતમીના આધારે રેડ પાડવામાં આવતા અહીંથી 5310 નંગ બોબીન જેની કુલ કિંમત 41,28,611 રૂપિયા છે. આ ઉપરાંત વર્ધમાન, એકે ૫૬, પાંડા, અગ્નિ, ચેલેન્જ જેવી કંપનીના અલગ અલગ સ્ટીકર, આ ઉપરાંત કોટ્સ કંપનીના સુપર સાંકળ, ગેંડા, આરડીએક્સ જેવા સ્ટીકર ત્યાંથી મળી આવ્યા છે.

આ ઉપરાંત સ્ટીકર વિનાના 414 નંગ બોબીન મળ્યા છે, આ ઉપરાંત પેકિંગની મશીન મળી છે, આ મામલે વરાછા પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. આ નામચીન કંપનીઓને મેઈલ કરીને જાણ કરી છે કે, તેઓ અહિયાં આવીને કોપી રાઈટ હેઠળ ફરિયાદ આપે જેથી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

વધુમાં જણાવ્યું કે, તેઓ અહિયાં છેલ્લા 15 વર્ષથી વેપાર કરે છે, તેઓએ મોટું ગોડાઉન પણ બનાવી રાખ્યું છે. જેથી અમે કંપનીઓને લીગલી સંપર્ક કર્યો છે. આ મામલે જીએસટીને પણ જાણ કરવામાં આવશે. GST ફ્રોડ પણ કરવામાં આવ્યું છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવશે.