Panchmahal: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રકો વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભભૂકી, ડ્રાઈવર જીવતો ભૂંજાયો

આઈસ્ક્રીમ ભરીને અમદાવાદ તરફ જતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી ટ્રક ડિવાઈડર ઠેકી સામેથી આવતી બીજી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Jan 2026 04:10 PM (IST)Updated: Fri, 09 Jan 2026 04:10 PM (IST)
panchmahal-news-truck-caught-fire-after-collied-with-another-truck
HIGHLIGHTS
  • અકસ્માત આગની લપટોના કારણે હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો

Panchmahal: ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે ભારે ટ્રકો વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં બંને વાહનોમાં આગ લાગી હતી, જેમાં એક ટ્રકના ચાલકને બહાર નીકળવાનો મોકો ન મળતાં તે જીવતો ભૂંજાઈ ગયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ તરફથી ગોધરા થઈ અમદાવાદ તરફ આઈસ્ક્રીમ ભરેલી એક ટ્રક જઈ રહી હતી. વહેલી સવારે ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ડોક્ટરના મુવાડા નજીક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબુ બનેલી ટ્રક ડિવાઈડર તોડી સામેથી આવી રહેલી પથ્થર ભરેલી બીજી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અથડામણ થતાં જ બંને ટ્રકોમાં આગ ભભૂકી ઉઠી હતી.

આ અકસ્માત બાદ થોડા જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આઈસ્ક્રીમ ભરેલી ટ્રકના ચાલક આગની લપેટો વચ્ચે ફસાઈ ગયા હતા. તેમને બહાર નીકળવાનો મોકો ના મળતા તેઓ ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ ગયા હતા. આગની લપટો અને ધુમાડાના કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સદનસીબે પથ્થર ભરેલી ટ્રકના ચાલક સહિત એક અન્ય વ્યક્તિને આ અકસ્માતમાં કોઈ ગંભીર ઇજા પહોંચ્યા વગર જીવતદાન મળ્યું હતું.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મૃતક ટ્રક ચાલકની ઓળખ દાહોદ જિલ્લાના લીંબડી ગામના રહેવાસી કનુભાઈ સોમાભાઈ ભુરીયા તરીકે કરવામાં આવી છે. તેમના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.