Surat: શહેરના કતારગામ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર બે યુવકો પસાર થઇ રહ્યા હતા, ત્યારે સામેથી રોંગ સાઈડમાં એક બાઈક ચાલક આવતા બ્રેક મારતા બાઈક સવાર બંને યુવકો નીચે પટકાયા હતા. આ સમયે બાજુમાંથી પસાર થતી સિટી બસનું ટાયર બે પૈકી એક યુવક પરથી ફરી વળતા તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના ઉત્રાણ VIP સર્કલ સિલ્વર લક્ઝુરીયામાં રહેતા નિકુંજભાઇ સુભાષભાઇ સવાણી હીરા વેપારી ગઈકાલે કારીગર કેતન દામજીભાઇ રાઠોડ સાથે બાઈક પર સરીન મશીન રીપેરીંગ કરવા નીકળ્યા હતા. તેઓ કતારગામ ફુલપાડાથી રત્નમાલા વચ્ચે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા.
આ દરમ્યાન સામેથી એક બાઈક ચાલક રોંગમાં આવ્યો હતો. જેથી બાઈક ચાલક નિકુંજભાઈ સવાણીએ બ્રેક મારી હતી અને તેઓએ બાઈકનું સંતુલન ગુમાવ્યું હતું. જેથી નિકુંજભાઈ અને કર્મચારી કેતન રોડ પર પટકાયા હતા. આ સમયે બાજુમાંથી સિટી બસ પસાર થઇ હતી અને નિકુંજભાઈ પરથી સિટી બસનું ટાયર ફરી વળ્યું હતું. જેમાં ગંભીર ઈજા થતા નિકુંજભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.
આ મામલે કતારગામ પોલીસ મથકમાં સીટી બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. માત્ર 29 વર્ષની નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતા સવાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઈ શકાય છે કે, નિકુંજભાઈ અને કેતનભાઈ બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક સામેથી રોંગ સાઈડમાં એક બાઈક ચાલક આવે છે. નિકુંજભાઈ બાઈક ચાલકને બચાવવા અચાનક બ્રેક મારે છે અને તેઓની બાઈક સ્લીપ થઈ જતા રોડ પર પટકાય છે. તે દરમ્યાન બાજુમાંથી પસાર થતી સીટી બસનું ટાયર નિકુંજ ભાઈ પરથી ફરી વળે છે, અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ મદદ માટે દોડી આવે છે.
