Vadodara: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજો આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પીડિત સગીરાને મેડિકલ તપાસ અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો હર્ષિક મેકવાન અને 'હેપ્પી' નામના યુવકો સગીરાને લલચાવીને એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં બન્ને જણાએ વારાફરતી સગીરા સાથે બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બન્ને નરાધમોએ સતત 3 કલાક સુધી સગીરાને રૂમમાં ગોંધી રાખીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે બાદ સગીરા તેમની ચુંગાલમાંથી છટકીને ઘરે પહોંચી હતી.
ઘરે પહોંચેલી સગીરા ગભરાયેલી લાગતા પિતાને કંઈક અજુગતુ થયું હોવાનું લાગ્યું હતુ. આથી પૂછપરછ કરતાં દીકરીએ આપવીતી કહી હતી. આખરે પરિવારજનો તાત્કાલિક ફતેગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં બન્ને આરોપીઓ વિરુદ્ધ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી સાથે બન્યું, તે અત્યંત અમાનવીય છે. આવું કૃત્ય બીજી કોઈ દીકરી સાથે ના થાય તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. અમે ન્યાય માટે અંત સુધી લડીશું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સગીરા તથા યુવતીઓ પર દુષ્કર્મના બનાવો નોંધાઈ રહ્યા છે. અગાઉ નવરાત્રી દરમિયાન ભાયલી વિસ્તારમાં થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવતાં શહેરની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકરો પણ પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે આરોપીઓને કડકમાં કડક સજા આપવા અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી. ફતેગંજ પોલીસનું કહેવું છે કે, ફરાર આરોપીની ધરપકડ માટે ટીમો તૈનાત કરી તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.
