Vadodara: આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાવાની છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા જ વડોદરા શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડની બંને ટીમો વડોદરા આવી પહોંચતા જ શહેર ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે.
ટીમ ઇન્ડિયા વડોદરાની હયાત પેલેસ હોટલમાં રોકાઈ છે. જ્યાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના સ્ટાર ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. હોટલ બહાર ‘વિરાટ… વિરાટ… કોહલી… કોહલી…’ના ગગનભેદી નારા ગૂંજી ઉઠ્યા હતા. કેટલાક ઉત્સાહી ચાહકો તો વિરાટ કોહલી અને રોહિત શર્માના પેઇન્ટિંગ્સ લઈને આવ્યા હતા અને તેમને પોતાના મનપસંદ ક્રિકેટરોને ભેટ આપવાની આશા રાખી હતી.
ટીમ ઇન્ડિયા હાયાત પેલેસ હોટલથી કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ માટે રવાના થઈ ગઈ છે. ટીમ સ્ટેડિયમ પહોંચતા ચાહકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ વડોદરાની હોટલ વેલકમમાં રોકાઈ છે. કિવિઝ ટીમ આજે સવારે કોટંબી સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટે રવાના થઈ હતી. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ સાથે ફોટા પડાવવા માટે પણ ચાહકોમાં ભારે ઉત્સાહ અને પડાપડી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે 7 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી વિરાટ કોહલીનો ફોટો કે ઓટોગ્રાફ મેળવવા માટે ફેન્સ હોટલની બહાર ઊભા રહ્યા હતા. આજે વહેલી સવારે 8 વાગ્યાથી ફરી ચાહકો હોટલ બહાર પહોંચી ગયા હતા.
કેટલાક ચાહકો તો વિરાટ કોહલીની એક ઝલક મેળવવા માટે પોતાની નોકરીમાં રજા મૂકીને આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાને જોવા માટે કેટલાક ચાહકો હોટલની ટેરેસ પર પણ ચડી ગયા હતા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં પણ સતર્કતા વધારવામાં આવી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મુકાબલા પૂર્વે વડોદરામાં ક્રિકેટનો માહોલ છવાઈ ગયો છે અને ચાહકો આતુરતાથી 11 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.
