Early Signs of Lung Cancer: ફેફસાનું કેન્સર એક ગંભીર બીમારી છે, જેના વિશે શરૂઆતમાં મોટાભાગના લોકોને ખ્યાલ જ નથી આવતો. જ્યારે તેના લક્ષણો સ્પષ્ટ થાય, ત્યાં સૂધીમાં કેન્સર ખૂબ જ વધી ગયું હોય છે.
માત્ર ધુમ્રપાન જ નહીં પરંતુ આજના સમયમાં વાયુ પ્રદૂષણ ફેફસા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. ખાસ કરીને એવા લોકો માટે, જેઓ ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં રહે છે. ધૂળ, ધુમાડો અને કેમિકલનું પ્રદૂષણ ધીમે-ધીમે આપણા ફેફસાની કાર્યક્ષમતાને ઘટાડી નાંખે છે. આજ કારણોસર શ્વાસ સબંધિત બીમારીઓ જેમ કે અસ્થમા, બ્રોંકાઈટિસ અને ફેફસાના કેન્સરના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે.
જો ફેફસાના કેન્સરની વાત કરીએ તો, તેની શરૂઆત એકદમ સામાન્ય લક્ષણોથી થાય છે, જેને લોકો સાધારણ સમજીને નજરઅંદાજ કરે છે. જે આગળ જતાં રોગને વધુ ગંભીર સ્ટેજમાં પહોંચાડે છે. આથી જ દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ ફેફસાના કેન્સરના શરૂઆતના લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો તેની સારવાર સફળ થવાના ચાન્સ વધી જાય છે.
શરીરમાં ફેફસાના કેન્સરની શરૂઆત કેવી રીતે થાય છે
જ્યારે ફેફસાના સેલ્સ અચાનક વધવા લાગે છે, ત્યારે કેન્સરની શરૂઆત થાય છે. આ સમસ્યા લાંબા સમય સુધી સ્મોકિંગ કરવા, પ્રદૂષણ અને ધુળ-ધૂમાડા કે ઝેરી કેમિકલના સતત સંપર્કમાં રહેવાના કારણે થતી હોય છે.
શરૂઆતના તબક્કામાં ફેફસાનું કેન્સર ધીમે-ધીમે વધે છે તેથી મોટાભાગના લોકો તેને સમજવામાં થાપ ખાઈ જાય છે. જેવું ફેફસાનું કેન્સર શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં ફેલાવવા લાગે છે, ત્યારે કેન્સરના લક્ષણો સ્પષ્ટ જોવા મળે છે.
તો ચાલો ફેફસાના કેન્સરના મુખ્ય લક્ષણો વિશે જાણીએ… Early Signs of Lung Cancer
સતત ઉધરસ રહેવીઃ જો તમને સતત 2-3 અઠવાડિયાથી ઉધરસ આવતી હોય અને દવાઓ કરાવવા છતાં પણ મટે નહીં, તો તેને સાધારણ સમજવાની ભૂલ ના કરશો. લાંબા સમય સુધી ઉધરસ થવી ફેફસામાં કેન્સરનો પહેલો સંકેત હોઈ શકે છે.
કફમાં લોહી પડવુંઃ ઉધરસ ખાતી વખતે કફની સાથે-સાથે લોહી આવતું હોય, તો તો પણ એક ગંભીર સંકેત છે. જે ફેફસામાં કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.
અવાજ ભારે થઈ જવોઃ જો તમારો અવાજ સતત બદલાઈ રહ્યો હોય અને ભારે થવા લાગે તો ચેતી જજો. લાંબા સમય સુધી અવાજમાં ફેરફાર જોવા મળે તો તે પણ ફેફસામાં કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.
અચાનક વજન ઉતરવુંઃ કોઈ પણ જાતની ડાયટ કે એક્સરસાઈઝ વિના ઝડપથી તમારું વજન ઉતરવા લાગે તો તે પણ ફેફસાના કેન્સરની શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
શ્વાસ લેવામાં સમસ્યાઃ પગથિયા ચડતી વખતે કે સામાન્ય એક્ટિવિટી કરવામાં તમારો શ્વાસ ફુલવા લાગે અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તે ફેફસામાં કેન્સરનો સંકેત હોઈ શકે છે.
છાતીમાં દુખાવોઃ ઊંડો શ્વાસ લેતી વખતે, ઉધરસ ખાતી વખતે કે હસતી વખતે છાતીમાં દુખાવો થતો હોય, તો તે પણ ફેફસામાં કેન્સરનો સંકેત હોઈ શકે છે.
ખભા કે પીઠમાં દુખાવોઃ ફેફસાના ઉપરના ભાગમાં ટ્યૂમર (ગાંઠ) હોય ત્યારે ખભા કે પીઠમાં દુખાવો ઉપડે છે. આ પણ ફેફસામાં કેન્સરનો સંકેત હોઈ શકે છે.
વારંવાર ફેફસામાં ઈન્ફેક્શનઃ ન્યૂમોનિયા કે બ્રોંકાઈટિસ જેવી સમસ્યા વારંવાર થઈ રહી હોય, તો તે પણ ફેફસાના કેન્સરની ચેતવણી આપે છે.
થાક અને નબળાઈઃ કોઈ વધારે કામ કર્યાં વિના સતત થાક અનુભવાય અને શરીરમાં નબળાઈનો અહેસાસ રહેતો હોય, તો તે પણ ફેફસાના કેન્સરનો સંકેત હોઈ શકે છે.
ગળવામાં તકલીફ થવીઃ ખોરાક ગળતી વખતે દુખાવો થતો હોય કે તકલીફ થાય, તો તે પણ ફેફસાના કેન્સરનો સંકેત હોઈ શકે છે.
