World Lung Cancer Day 2026: 1 ઓગસ્ટના રોજ વિશ્વ લંગ કેન્સર દિવસ નિમિત્તે ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ દ્વારા નાગરિકોને તમાકુ છોડવા, સમયસર કેન્સર સ્ક્રીનિંગ કરાવવા અને ફેફસાં બચાવવા માટેનો મહત્વપૂર્ણ જનજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો છે. વિશ્વભરમાં કેન્સરના કારણે થતા મૃત્યુમાં ફેફસાનું કેન્સર સૌથી મોટું અને સૌથી વધુ મૃત્યુનું કારણ છે.
વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે ફેફસાના કેન્સરના આંકડા
GLOBOCAN-2022 ના રિપોર્ટ મુજબ, વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે 26 લાખથી વધુ નવા કેસ અને 18 લાખથી વધુ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ભારતમાં દર વર્ષે ફેફસાના કેન્સરના અંદાજે 1.12 લાખથી વધુ નવા કેસ નોંધાય છે, અને 98 હજારથી વધુ નાગરિકોના મૃત્યુ થાય છે.
GCRI ખાતે છેલ્લા 5 વર્ષમાં કેસોની સ્થિતિ
અમદાવાદ સ્થિત GCRI ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરના કેસમાં સતત વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં ફેફસાના કેન્સરના કુલ 4,830 દર્દીઓ નોંધાયા છે, જેમાં 3,931 (81.4%) પુરુષ દર્દીઓ અને 899 (18.6%) મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.
GCRI રિપોર્ટ અનુસાર વર્ષવાર નોંધાયેલા દર્દી:
| વર્ષ | દર્દીઓની સંખ્યા |
|---|---|
| 2021 | 813 |
| 2022 | 865 |
| 2023 | 933 |
| 2024 | 1,086 |
| 2025 | 1,133 |
ફેફસાના કેન્સરના મુખ્ય પરિબળો
બીડી, સિગારેટ તથા તમાકુનું સેવન, પરોક્ષ ધૂમ્રપાન (Passive Smoking), હવાનું પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક રસાયણો અને એસ્બેસ્ટોસ જેવા પદાર્થોના લાંબા સમય સુધી સંપર્કમાં આવવું એ ફેફસાના કેન્સરના મુખ્ય જોખમકારક પરિબળો છે.
ફેફસાના કેન્સરના મુખ્ય લક્ષણો
- લાંબા સમય સુધી ચાલતી ઉધરસ અથવા ઉધરસમાં લોહી પડવું
- શ્વાસ લેવામાં તકલીફ પડવી અને છાતીમાં દુખાવો થવો
- અવાજમાં ફેરફાર થવો તથા અચાનક વજન ઘટવું
શરૂઆતના તબક્કામાં લક્ષણો સામાન્ય જણાતા હોવાથી મોટાભાગના દર્દીઓમાં રોગનું નિદાન મોડું થાય છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો તેને સામાન્ય ગણીને અવગણવા નહીં અને તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
GCRI ખાતે અદ્યતન સારવાર સુવિધાઓ
ગુજરાત રાજ્ય સરકાર ગંભીર બીમારીઓ સામે અદ્યતન સારવાર પૂરી પાડવા કટિબદ્ધ છે. વર્ષ 1972માં સ્થાપિત GCRI ખાતે દર્દીઓ માટે રોબોટિક સર્જરી, PET-CT, 3 Tesla MRI, 128 CT Scan, બ્રોન્કોસ્કોપી તેમજ CyberKnife, True Beam અને TomoTherapy જેવી અદ્યતન રેડિયેશન સારવાર ઉપલબ્ધ છે.
આ ઉપરાંત કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી સુવિધાઓ PMJAY-MA સરકારી યોજના હેઠળ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે પૂરી પાડવામાં આવે છે. GCRI દ્વારા જનજાગૃતિ માટે "તમાકુ છોડો, ફેફસાં બચાવો - સમયસર તપાસ કરાવો, જીવન બચાવો" નો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.
