ડાયાબિટીસમાં કયું જ્યુસ પીવું? જાણો 5 એવા ડ્રિંક્સ જે તમારું બ્લડ સુગર વધવા નહીં દે

મોટાભાગના પીણાંમાં સુગર હોય છે, જેના કારણે ડાયાબિટીસ ધરાવતા લોકો તેનો આનંદ માણી શકતા નથી. પરતું અહીં કેટલાક ઉત્તમ પીણાંના આપ્યા છે જેનો તમે સુરક્ષિત રીતે આનંદ માણી શકો છો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 29 May 2026 08:15 AM (IST)Updated: Fri, 29 May 2026 08:15 AM (IST)
5-hydrating-drinks-for-diabetic-patients-summer-tips

Diabetes Diet Tips: ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ગરમી અને પરસેવાના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની અછત સર્જાય છે. બજારમાં મળતા મોટાભાગના સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે. પરંતુ ડાયાબિટીસ હોવાનો અર્થ એ નથી કે તમે તાજગી આપનારા પીણાંનો આનંદ ન માણી શકો. અહીં એવા 5 કુદરતી અને હેલ્ધી પીણાંની યાદી છે, જે બ્લડ સુગર વધાર્યા વિના શરીરને ઠંડક અને ભરપૂર એનર્જી આપશે.

આમ પન્ના

કાચી કેરીમાંથી બનતું આમ પન્ના ઉનાળાની લૂથી બચવા માટે અચૂક ઇલાજ છે. તેને બનાવવા માટે કાચી કેરીને ઉકાળી કે શેકીને તેનો પલ્પ કાઢી લો. બ્લેન્ડરમાં આ પલ્પ સાથે ફુદીનાના પાન, શેકેલું જીરું, કાળું મીઠું અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ પીણું શરીરમાં ઠંડક પ્રસરાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

નમકીન સત્તુ પીણું

બિહાર અને ઉત્તર ભારતમાં લોકપ્રિય એવું સત્તુ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેને બનાવવા માટે સત્તુ પાવડરમાં ઠંડુ પાણી ઉમેરી ગઠ્ઠા ન રહે તે રીતે ઓગાળી લો. તેમાં સંચળ, જીરું પાવડર, લીંબુનો રસ, ઝીણી સમારેલી ડુંગળી, લીલું મરચું અને ફુદીનો મિક્સ કરો. સત્તુ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેમાં રહેલું હાઈ-ફાઈબર બ્લડ સુગરમાં અચાનક થતા વધારાને અટકાવે છે.

મસાલા છાશ

છાશ એ ઉનાળા માટેનું સર્વશ્રેષ્ઠ પરંપરાગત પીણું છે. મસાલા છાશ બનાવવા માટે બે કપ દહીં અને બે કપ પાણીને બરાબર વલોવી લો. તેમાં સ્વાદ મુજબ સંચળ, અડધી ચમચી શેકેલું જીરું પાવડર, બારીક સમારેલું લીલું મરચું અને તાજા ધાણા ઉમેરીને મિક્સ કરો,તેનાથી છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનતંત્રને મજબૂત કરે છે અને બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ડિટોક્સ વોટર

સાદા પાણીને નવો અને હેલ્ધી ટેસ્ટ આપવાનો આ ઉત્તમ રસ્તો છે. તેને બનાવવા માટે એક મોટી પાણીની બોટલમાં કાકડીના ટુકડા, આદુ, લીંબુ, ફુદીનો, તુલસી અથવા તમારી પસંદગીના ફળો ઉમેરો. આ બોટલને આખી રાત ફ્રિજમાં રાખો અને બીજા દિવસે આ પાણી થોડું-થોડું પીતા રહો. તે આ પાણી ઝીરો કેલરી ધરાવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને વિટામિન્સ પૂરા પાડે છે.

ચિયા સીડ્સ સાથે નાળિયેર પાણી

નાળિયેર પાણી કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો ખજાનો છે. તેને બનાવવા બે કલાક પહેલા પલાળેલા ચિયા બીજને નાળિયેર પાણીમાં ઉમેરો. તેમાં થોડો લીંબુનો રસ, પીસેલો ફુદીનો, ચપટી શેકેલું જીરું અને સંચળ ઉમેરીને ઠંડું કરો. નાળિયેર પાણી અને ફાઇબરથી ભરપૂર ચિયા સીડ્સનું આ મિશ્રણ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવે છે અને સુગર લેવલને મેનેજ કરે છે.

આ પાંચેય પીણાં સંપૂર્ણપણે નેચરલ અને સુગર-ફ્રી છે, જે ડાયાબિટીસના દર્દીઓ કોઈ પણ ચિંતા વગર પી શકે છે.

DISCLAIMER: દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. આ આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.