Gujarati Gunder Pak Recipe: શિયાળાની શરૂઆત થતાં જ ઘણા લોકોને હાથ-પગમાં દુખાવો, સાંધામાં તકલીફ અને શરીરમાં જકડન જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી ઋતુમાં શરીરને ગરમાવો મળે તેવો ગુંદર પાક ખાવામાં આવે છે. ગુંદર, ઘી, ગોળ અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર થતો ગુંદર પાક સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્ત્વોથી પણ ભરપૂર હોય છે. જો તમને પણ શિયાળામાં ઘરે ગુંદર પાક બનાવવો હોય, તો આજે જાણો ચાસણી બનાવવાની ઝંઝટ વગરની આ સરળ રેસીપી.
ગુંદર પાક બનાવવા માટેની સામગ્રી
- ગુંદર – 100 ગ્રામ
- ઘઉંનો લોટ – 1 કપ
- ગોળ – 200 ગ્રામ
- દેશી ઘી – 1 કપ
- ગુંદરની કણી – જરૂર મુજબ
- બદામ – ¼ કપ
- કાજુ – ¼ કપ
- પિસ્તા – 2 ચમચી
- સૂકું નારિયેળ છીણેલું – ¼ કપ
- ગંઠોડાનો પાઉડર – 1 ચમચી
- સૂંઠનો પાઉડર – 1 ચમચી
- એલચી પાઉડર – ½ ચમચી
- ખસખસ – 2 ચમચી
ગુંદર પાક બનાવવાની રીત
સૌથી પહેલાં એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર થોડો-થોડો નાખીને તળી લો. ગુંદર ફૂલીને હળવો અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ઠંડો થાય એટલે તેને હળવો ક્રશ કરી લો.
હવે એ જ કડાઈમાં બદામ, કાજુ અને પિસ્તાને હળવા શેકી લો. ત્યારબાદ તેમાં સૂકું નારિયેળ અને ખસખસ ઉમેરીને થોડો સમય શેકો. આ બધી સામગ્રીને એક બાજુ રાખી દો.
હવે કડાઈમાં બાકીનું ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ ઉમેરો. ધીમા તાપે લોટને સતત હલાવતા રહો. લોટનો રંગ થોડો બદલાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકો. લોટ બરાબર શેકાઈ જાય તે ખૂબ જરૂરી છે, જેથી ગુંદર પાકનો સ્વાદ સારો આવે.
ત્યારબાદ ગેસ બંધ કરી દો અને લોટ થોડો હૂંફાળો થાય એટલે તેમાં છીણેલો કે બારીક સમારેલો ગોળ ઉમેરો. ગરમ લોટમાં ગોળ ઉમેરવાથી તે ઓગળવા લાગશે અને ચાસણી બનાવવાની જરૂર નહીં પડે. ગોળ બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહો.
હવે તેમાં તળેલો ગુંદર, શેકેલા ડ્રાયફ્રૂટ્સ, સૂંઠ પાઉડર, ગંઠોડાનો પાઉડર અને એલચી પાઉડર ઉમેરી દો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો, જેથી ગુંદર, લોટ અને ગોળ દરેક જગ્યાએ સરખી રીતે ભળી જાય.
હવે એક થાળીમાં થોડું ઘી લગાવી તૈયાર મિશ્રણ પાથરી દો. ઉપરથી સમારેલા બદામ અને પિસ્તા નાખીને હળવા હાથે દબાવી દો. મિશ્રણ થોડું સેટ થાય એટલે મનપસંદ આકારમાં કટકા કરી લો. આ રીતે તૈયાર છે ચાસણી વગરનો સ્વાદિષ્ટ ગુંદર પાક.
ખાસ નોંધ
ગોળ ઉમેરતી વખતે લોટ બહુ ગરમ ન હોવો જોઈએ, નહીં તો ગોળ વધુ પાતળો થઈ શકે છે. ગુંદર પાકને સંપૂર્ણ ઠંડો થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો.
