Gujarati Gundar Pak Recipe: શિયાળાના આગમન સાથે શિયાળાની વાનગીઓ પણ દરેક ઘરમાં બનવા લાગે છે. શિયાળાની ઋતુમાં ગુંદર પાક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આ વાનગી શરીરને પોષણ આપે છે. ગુંદર પાક બનાવવાની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ગુંદર પાક બનાવવા માટેની જરૂરી સામગ્રી:
- ગુંદ (બાવળનો અથવા ખેરીનો): 500 ગ્રામ
- શુદ્ધ ઘી (ગુંદ પલાળવા માટે): 300 ગ્રામ
- શુદ્ધ ઘી (વઘાર માટે): 200 ગ્રામ
- ગોળ: 500 ગ્રામ
- બદામ: 100 ગ્રામ
- કાજુ: 100 ગ્રામ
- ટોપરાનું કોરું છીણ: 100 ગ્રામ
- સૂંઠ પાવડર: 20 ગ્રામ
- ગંઠોડા પાવડર: 10 ગ્રામ
- પીપળી મૂળનો પાવડર: 10 ગ્રામ
- ખસખસ: 10 થી 20 ગ્રામ
ગુંદર પાક બનાવવાની રીત:
1). ગુંદની પૂર્વ તૈયારી:
ગુંદર પાક બનાવતી વખતે ગુંદની પસંદગી વ્યક્તિના આધારે કરી શકાય છે. જો સ્ત્રીઓ માટે બનાવતા હોઈએ તો બાવળનો ગુંદ અને પુરુષો માટે ખેરનો ગુંદ લેવો હિતાવહ છે. ગુંદ પાક બનાવતા પહેલા, 500 ગ્રામ ગુંદમાં 300 ગ્રામ ઘી ઉમેરીને તેને મિક્સ કરી 8 થી 9 કલાક (આખી રાત) માટે ઢાંકીને પલાળી રાખવો.
2). ડ્રાયફ્રૂટ્સ તૈયાર કરવા:
ગુંદ પલળી જાય એટલે એક કડાઈમાં 200 ગ્રામ ઘી ગરમ કરો. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને તેમાં 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ કાજુને આશરે 1 મિનિટ માટે તળી લો. તળેલા કાજુ-બદામ ઠંડા થાય એટલે તેને કૂટીને નાના ટુકડાઓમાં તૈયાર કરી લેવા.
3). ગોળનો પાયો અને મસાલા:
કાજુ-બદામ કાઢી લીધા પછી તે જ ગરમ ઘીમાં 500 ગ્રામ ગોળ ઉમેરો અને ગોળ સંપૂર્ણપણે પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ગોળ પીગળી ગયા બાદ તેમાં 10 ગ્રામ ગંઠોડા પાવડર, 20 ગ્રામ સૂંઠ પાવડર, 100 ગ્રામ ટોપરાનું છીણ અને 10 ગ્રામ પીપળી મૂળનો પાવડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું.
4). ગુંદ મિક્સ કરવો:
હવે તૈયાર કરેલા મિશ્રણમાં 8 થી 9 કલાક સુધી ઘીમાં પલાળી રાખેલો ગુંદ ઉમેરો. આ મિશ્રણને ધીમા તાપે સતત હલાવતા રહેવું. જો તમને મિશ્રણ કોરું લાગે તો ઉપરથી 1 થી 2 ચમચી ઘી ઉમેરી શકાય છે.
5). અંતિમ પ્રક્રિયા:
સૌથી છેલ્લે તૈયાર કરેલા કાજુ-બદામના ટુકડા અને 10 થી 20 ગ્રામ ખસખસ ઉમેરીને મિક્સ કરો. આ મિશ્રણને ધીમા તાપે આશરે 5 મિનિટ સુધી થવા દેવું અને સતત હલાવતા રહેવું. હવે તમારો હેલ્ધી ગુંદર પાક તૈયાર છે.
સેવન કરવાની રીત:
તૈયાર થયેલા ગુંદર પાકને તમે એક અલગ ડીશમાં લઈને રોજ સવારે નયણા કોઠે (ખાલી પેટે) ગરમ કરીને ખાઈ શકો છો, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.
