Kathiyawadi Sev Nu Shaak Recipe: રોજ એકનું એક શાક ખાઈને કંટાળ્યા છો? તો આજે જ બનાવો તીખું-તમતમતું કાઠિયાવાડી સેવનું શાક!

કાઠિયાવાડી સેવનું શાક બનાવવાની સરળ રીત જાણો. લસણ, ડુંગળી, ટામેટાં અને મસાલાની તીખી રસાવાળી ગ્રેવીમાં બનાવો સ્વાદિષ્ટ સેવનું શાક.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 03:12 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:12 PM (IST)
gujarati-curry-recipe-how-to-make-dhaba-style-kathiyawadi-sev-nu-shaak

Kathiyawadi Sev Nu Shaak Recipe: ઘરે રોજ એકનું એક શાક ખાઈને કંટાળો આવવા લાગ્યો છે? તો આજે તમારા લંચ કે ડિનરના મેનુમાં કંઈક નવું અને ચટાકેદાર બનાવો. કાઠિયાવાડી સેવનું શાક ગુજરાતની જાણીતી વાનગીઓમાંની એક છે. લસણ, ડુંગળી, ટામેટાં અને તીખા મસાલાની રસાવાળી ગ્રેવીમાં તૈયાર થતું આ શાક ગરમાગરમ રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો જાણીએ ઘરે કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવનું શાક બનાવવાની રીત.

કાઠિયાવાડી સેવનું શાક બનાવવા માટેની સામગ્રી

સેવના લોટ માટે

  • 1 કપ ચણાનો લોટ (બેસન)
  • ¼ ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ચપટી હિંગ
  • 1 મોટી ચમચી ગરમ તેલ
  • જરૂર મુજબ પાણી

કાઠિયાવાડી લસણની ચટણી માટે

  • 12-14 લસણની કળી
  • ચપટી મીઠું
  • 1 નાની ચમચી લાલ મરચું પાઉડર

મસાલાની પેસ્ટ માટે

  • 1 મોટી ચમચી કાઠિયાવાડી લસણની ચટણી
  • 1 ડુંગળી
  • 2 ટામેટાં
  • 1 ઇંચ આદુ
  • 2 લીલાં મરચાં

શાક બનાવવા માટે

  • 2 મોટી ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ચપટી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • ½ ચમચી ધાણાજીરું પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી
  • બારીક સમારેલી કોથમીર

કાઠિયાવાડી સેવનું શાક બનાવવાની રીત

સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં હળદર, મીઠું, હિંગ અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને મધ્યમ કઠણ લોટ બાંધી લો. આ લોટને સેવ બનાવવાના સંચામાં ભરીને ગરમ તેલમાં ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર સેવને એક બાજુ રાખો.

હવે લસણની ચટણી બનાવવા માટે લસણની કળીઓ, મીઠું અને લાલ મરચું પાઉડર મિક્સરમાં નાખીને ક્રશ કરી લો. ત્યારબાદ ડુંગળી, ટામેટાં, આદુ અને લીલાં મરચાંની પેસ્ટ તૈયાર કરો.

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો. ત્યારબાદ હિંગ નાખીને તૈયાર કરેલી ડુંગળી-ટામેટાંની પેસ્ટ ઉમેરો. તેમાં લસણની ચટણી, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

મસાલાને ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવીને ઉકળવા દો. ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલી સેવ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. છેલ્લે ઉપરથી બારીક સમારેલી કોથમીર નાખો. તો તૈયાર છે એકદમ તીખું-તમતમતું કાઠિયાવાડી સેવનું શાક. તેને ગરમાગરમ રોટલી, બાજરીની ભાખરી કે પરાઠા સાથે પીરસો.