Gujarati Methi Na Gota Recipe: સિઝન ગમે તે હોય પરંતુ સામે ગરમા ગરમ મેથીના ગોટાની ડીશ હોય તો પુછવું જ છું. આજે મેથીના પોચા અને જાળીદાર ભજીયા કેવી રીતે બનાવવા તેની સરળ રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ રેસિપીમાં આખા, ધાણા અને વરયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી ભજીયાનો ટેસ્ટ સારો આવે તે પણ જોઈશું.
મેથીના ગોટ બનાવવાની સામગ્રી:
- 2 કપ મેથી (ઝીણી સમારેલી અને ધોયેલી)
- અડધો કપ કોથમરી સમારેલી
- 2 વાટકી ચણાનો લોટ (ચાળીને લેવો જેથી ભજીયા સારા બને)
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી આખા કાળા મરી
- 1/2 ચમચી વરિયાળી
- 1/2 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લીલા અથવા લાલ મરચાની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
- થોડા મીઠા સોડા (ખાવાનો સોડા)
- 2 ચમચી લીંબુનો રસ
- તળવા માટે તેલ
- જરૂર મુજબ પાણી
મેથીના ભજીયા બનાવવાની રીત:
- સૌથી પહેલા ચણાના લોટને એક મોટા વાસણમાં ચાળણીથી ચાળી લો.
- હવે આખા ધાણા, કાળા મરી અને વરિયાળીને ખાંડણીમાં અધકચરા વાટી લો. આ તૈયાર મસાલાને ચાળેલા લોટમાં ઉમેરો.
- ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- હવે તેમાં ઝીણી સમારેલી અને ધોયેલી મેથી ઉમેરો.
- તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરું બહુ પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
- ભજીયાનું બેટર તૈયાર થઈ જાય એટલે તેની ઉપર ખાવાના સોડા નાખો. સોડા ઉપર લીંબુનો રસ અને 1 ચમચી ગરમ તેલ ઉમેરો. આ મિશ્રણને બરાબર ફેંટી લો જેથી ગોટા અંદરથી પોચા અને જાળીદાર બને.
- એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી દો.
- હવે હાથની મદદથી બેટરમાંથી નાના-નાના ગોટા ગરમ તેલમાં મૂકો.
- ગોટાને ધીમી થી મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તૈયાર છે ગરમાગરમ મેથીના ગોટા. તેને તમે ચટણી, દહી, છાસ કે તળેલા મરચા સાથે પીરસી શકો છો.
