Cabbage Manchurian Recipe: ઘરમાં પુછીએ કે મંચુરિયન કોઈને ખાવાનું છે તો દરેક વ્યક્તિ હા પાડશે. તેમાય બાળકો તો ખાસ. લારી પરનું મંચુરિયન દરેક વ્યક્તિને સ્વાદિષ્ટ લાગતું હોય છે જ્યારે ઘરે બનેલું મંચુરિયન ફિક્કુ. આજે ગુજરાતી જાગરણ એવી રેસિપી જણાવશે કે તમે ઘરે પણ લારી જેવું મંચુરિયન બનાવી શકો છો.તો ચાલો બનાવીએ મંચુરિયન.
- મંચુરિયન બોલ્સ માટેની સામગ્રી:
- કોબી: 1 મોટી (મધ્યમ ટુકડામાં સમારેલી)
- મીઠું: 1/2 ચમચી
- આદુ-મરચાંની પેસ્ટ: 1 ચમચી
- લાલ મરચાંનો સોસ : 1 ચમચી
- ટોમેટો કેચપ: 1 ચમચી
- લાલ મરચાંનો પાવડર: 1 ચમચી
- કોર્નફ્લોર: ૪ ટેબલસ્પૂન
- મેંદો: 1 કપ (લગભગ 100 ગ્રામ)
- વધારાનો મેંદો: જરૂર મુજબ (લગભગ 1/4 કપ)ટ
- તળવા માટે તેલ
મંચુરિયન બોલ્સ બનાવવાની રીત:
- 1). બાફેલી કોબીને ફૂડ પ્રોસેસરમાં અથવા મશીનમાં બારીક સમારી લો. જો તમારી પાસે મશીન ન હોય, તો તેને છરી વડે ઝીણી સમારી શકાય છે.
- 2). એક બાઉલમાં સમારેલી કોબી લો. તેમાં 1/2 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. થોડીવાર માટે રહેવા દો જેથી કોબીમાંથી પાણી છૂટું પડે. આનાથી લોટ ઓછો વાપરવો પડશે.
- 3). હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો સોસ, ટોમેટો કેચપ, લાલ મરચાંનો પાવડર, ૪ ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1 કપ મેંદો ઉમેરો.
- 4). બધી સામગ્રીને બરાબર મિક્સ કરીને લોટ બાંધી લો. જો લોટ ઢીલો લાગે, તો 1/૪ કપ જેટલો વધુ મેંદો ઉમેરી શકાય છે. લોટ બંધાઈ જાય એટલે મંચુરિયન બોલ્સ બનાવવાનું સરળ બનશે.
- 5). લોટમાંથી મધ્યમ કદના ગોળાકાર મંચુરિયન બોલ્સ વાળી લો.
- 6). એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ રાખો.
- 7). મંચુરિયન બોલ્સને ગરમ તેલમાં ધીમે ધીમે ઉમેરો.
- 8). ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. દરેક બેચને તળવામાં લગભગ ૩ થી ૪ મિનિટ લાગશે. અંદરથી કાચા ન રહે તે માટે ધીમા તાપે તળવા જરૂરી છે.
- 9). તળેલા બોલ્સને કિચન પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. બધા બોલ્સ આ રીતે તૈયાર કરી લો.
મંચુરિયન વઘાર માટેની સામગ્રી:
- તેલ: 2 ચમચી
- લસણ: 6 કળી બારિક સમારેલું
- આદુ: 1 ઇંચનો ટુકડો બારિક સમારેલું
- લીલા મરચાં: 1 ચમચી બારિક સમારેલું
- કેપ્સિકમ: 1 નાનું બારિક સમારેલું
- કોબી: 1/4 કપ (ચોરસ ટુકડામાં સમારેલી, બોલ્સ બનાવ્યા બાદ વધેલી)
- મીઠું: 1/4 ચમચી (અથવા સ્વાદ મુજબ, સોયા સોસ ખારો હોય છે એટલે ધ્યાન રાખો)
- ડાર્ક સોયા સોસ: 3 ચમચી
- રેડ ચીલી સોસ: 1 નાની ચમચી
- ટમેટો કેચપ/સોસ: 2 ચમચી
- વિનેગર: 1/2 ચમચી (વૈકલ્પિક)
- પાણી: 1/4 કપ
- કોર્નફ્લોર સ્લરી માટે: 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર + 4 ટેબલસ્પૂન પાણી
મંચુરિયન વઘારવાની રીત:
- 1). એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
- 2). તેલ ગરમ થાય એટલે તેમાં બારિક સમારેલું લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરો.
- 3). ઊંચી આંચ પર 1 મિનિટ માટે સાંતળો.
- 4). હવે તેમાં સમારેલું કેપ્સિકમ અને બાકી વધેલી સમારેલી કોબી ઉમેરો. (જો કેપ્સિકમ ન હોય તો તેને છોડી શકાય છે, માત્ર કોબીનું મંચુરિયન પણ બનાવી શકાય છે).
- 5). ફૂલ ગેસ પર 2 થી ૩ મિનિટ માટે સાંતળો.
- 6). 1/4 ચમચી જેટલું મીઠું ઉમેરો (સોયા સોસમાં પણ મીઠું હોય છે, તેથી સાવચેતી રાખો).
- 7). 3 ચમચી ડાર્ક સોયા સોસ, 1 નાની ચમચી રેડ ચીલી સોસ, અને 2 ટેબલસ્પૂન ટમેટો કેચપ ઉમેરો.
- 8). 1/2 ચમચી વિનેગર ઉમેરો (જો તમને ગમતું હોય, ન ગમતું હોય તો છોડી શકાય છે અથવા ટમેટો સોસ વધુ ઉમેરી શકાય છે).
- 9). બધી સામગ્રીને બરાબર મિક્સ કરી, ઊંચી આંચ પર 1 મિનિટ માટે સાંતળો.
- 10). હવે તેમાં 1/4 કપ પાણી ઉમેરો.
- 11). એક વાટકીમાં 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને ૪ ટેબલસ્પૂન પાણી મિક્સ કરીને સ્લરી બનાવો.
- 12). આ સ્લરીને સોસમાં ઉમેરો. સતત હલાવતા રહો જેથી ગાંઠા ન પડે.
- 13). સોસ ઘટ્ટ થાય ત્યાં સુધી, લગભગ 1 મિનિટ માટે, હલાવતા રહો. સોસ એકદમ ઘટ્ટ અને સ્મૂથ થઈ જશે.
- 14). હવે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને સોસમાં ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 15). બોલ્સ સોસ સાથે મિક્સ થઈ જાય એટલે ઊંચી આંચ પર 2 થી 3મિનિટ માટે થવા દો જેથી તે ક્રિસ્પી રહે.
- 16). તમારું સ્વાદિષ્ટ અને ચટાકેદાર ડ્રાય કોબી મંચુરિયન તૈયાર છે!
