Farali Dhokla Recipe for Mahashivratri 2026 Vrat: મહાશિવરાત્રી કે કોઈ પણ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ સોફ્ટ અને ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત. સામો (મોરૈયો) અને સાબુદાણાનો ઉપયોગ કરી માત્ર 15 મિનિટમાં બનાવો આ હેલ્ધી વાનગી. જ્યારે ઉપવાસમાં કંઈક હળવું અને ચટાકેદાર ખાવાનું મન થાય, ત્યારે ફરાળી ઢોકળા ઉત્તમ વિકલ્પ છે. આ ઢોકળા પચવામાં હળવા અને ખાવામાં એકદમ પોચા હોય છે.
જરૂરી સામગ્રી
આ પણ વાંચો
- સામો (મોરૈયો): 1 કપ
- સાબુદાણા: 1/4 કપ
- ખાટું દહીં: 1/2 કપ
- આદુ-મરચાની પેસ્ટ:1 ચમચી
- મીઠું (સિંધાલૂણ): સ્વાદ મુજબ
- તેલ:1 ચમચી (ખીરામાં નાખવા માટે)
- ઈનો (Fruit Salt): 1/2 ચમચી
- પાણી: જરૂર મુજબ
- વઘાર માટે: તેલ, જીરું, તલ, લીલા મરચા અને મીઠો લીમડો.
ફરાળી ઢોકળા બનાવવાની રીત
મિશ્રણ તૈયાર કરવું
સૌથી પહેલા સામો અને સાબુદાણાને સાફ કરી મિક્સરમાં અધકચરા પીસી લો. તેનો એકદમ ફાઈન પાવડર નથી કરવાનો, સહેજ કરકરો રાખવો.
પલાળવું
હવે એક વાસણમાં આ પાવડર લઈ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ ખીરાને 20-30 મિનિટ માટે ઢાંકીને રાખી દો જેથી સાબુદાણા ફૂલી જાય.
મસાલા કરવા
સમય પૂરો થયા પછી ખીરામાં આદુ-મરચાની પેસ્ટ, સિંધાલૂણ મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી બરાબર હલાવી લો. જો ખીરું બહુ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકાય.
બાફવા
ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો. ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી લો. હવે ખીરામાં ઈનો ઉમેરી એક જ દિશામાં હલાવો. ખીરું ફૂલી જાય એટલે તરત જ થાળીમાં રેડી દો. ઉપરથી થોડું લાલ મરચું અથવા કાળા મરીનો પાવડર છાંટો.
સ્ટીમિંગ
મધ્યમ તાપે 1o-12 મિનિટ સુધી સ્ટીમ થવા દો. ચપ્પુ નાખીને ચેક કરી લો, જો ચપ્પુ સાફ નીકળે તો ઢોકળા તૈયાર છે.
વઘાર
ઢોકળા ઠંડા થાય એટલે તેના કાપા પાડી લો. એક નાના વઘારિયામાં તેલ ગરમ કરી જીરું, તલ અને લીમડો નાખી વઘાર તૈયાર કરો અને તેને ઢોકળા પર રેડો.
ટિપ્સ
ઢોકળાને વધુ સોફ્ટ બનાવવા માટે દહીં થોડું ખાટું વાપરવું. આ ઢોકળાને તમે લીલી ચટણી કે દહીં સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
