vaghareli khichdi recipe: તહેવારોનું તીખું, તળેલું અને ગળ્યું ખાઈને કંટાળ્યા છો? તો સાંજ માટે બનાવો માત્ર ૨૦ મિનિટમાં તૈયાર થતી વિટામિન્સથી ભરપૂર 'કાઠિયાવાડી વઘારેલી ખીચડી'. લસણ-ડુંગળી વગર, ખાસ સિક્રેટ શાકભાજી ગાજર, ફણસી અને શક્કરિયાં સાથે ઘીના સ્પેશિયલ તડકાવાળી આ સુપર હેલ્ધી ખીચડી પચવામાં એકદમ હળવી છે. દહીં, કઢી કે પાપડ સાથે ગરમાગરમ સર્વ કરવા માટેની આ રહી પરફેક્ટ માપ સાથેની પરંપરાગત ગુજરાતી રેસીપી!
તૈયારીનો સમય: ૧૦ મિનિટ
રાંધવાનો સમય: ૨૦ મિનિટ
સર્વિંગ: ૪ વ્યક્તિ માટે
જરૂરી સામગ્રી
- ચોખા: ૧/૨ અડધી વાટકી
- મગની ફોતરાવાળી દાળ: ૧/૨ વાટકી
- પાણી: ૩.૫ વાટકી
- ગાજર
- ફણસી
- શક્કરીયું
- સીંગદાણા: ૧/૪ વાટકી
- હળદર: ૧ ટીસ્પૂનથી થોડી વધુ
- મીઠું: ૧.૫ થી ૨ ટીસ્પૂન
- ઘી: ૨ થી ૩ ટેબલસ્પૂન
- જીરું: ૨ ટીસ્પૂન
- હિંગ: ૧/૨ ટીસ્પૂન
- મીઠો લીમડો: થોડા પાન
- આદુ: ૧ ટીસ્પૂન
- લીલા મરચાં: ૨ નંગ
- કોબીજ: ૧ કપ
- ટમેટું: ૧ નંગ
- લાલ મરચું પાવડર: ૧ થી ૨ ટીસ્પૂન (તીખાશ મુજબ)
- ધાણાજીરું પાવડર: ૨ ટીસ્પૂન
- હળદર: ૧/૨ ટીસ્પૂન
- મીઠું: ૧/૨ ટીસ્પૂન (ગ્રેવીના ભાગનું)
- ગોળ: એક નાનો ટુકડો
- લીલા ધાણા: બારીક સમારેલા
બનાવવાની રીત
ખીચડી બાફવાની રીત
- સૌથી પહેલા એક કુકરમાં અડધી વાટકી ચોખા અને અડધી વાટકી મગની દાળને મિક્સ કરી ૫-૬ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો અને પાણી નિતારી લો.
- હવે તેમાં સાડા ત્રણ વાટકી પાણી ઉમેરો આંગળીથી માપો તો દાળ-ચોખાથી દોઢ ઇંચ જેટલું પાણી ઉપર હોવું જોઈએ.
- ત્યારબાદ તેમાં સમારેલા ગાજર, ફણસી, શક્કરીયા, સીંગદાણા, હળદર અને મીઠું ઉમેરીને મિક્સ કરો.
- કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ૪ વિસલ વગાડી લો.
- પ્રેશર નીકળી જાય એટલે ખીચડી ખોલીને મિક્સ કરો. જો ખીચડી ઘટ્ટ લાગે, તો તેમાં ૧ કપ જેટલું ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
વઘાર અને ગ્રેવી તૈયાર કરવાની રીત
- એક કડાઈમાં ૨ થી ૩ ટેબલસ્પૂન ઘી ગરમ કરો.
- ઘી ગરમ થાય એટલે જીરું, હિંગ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો.
- ત્યારબાદ તેમાં ખમણેલું આદુ અને લીલા મરચાં ઉમેરી સાંતળો.
- હવે તેમાં ૧ કપ ઝીણી સમારેલી કોબીજ ઉમેરી ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
- કોબીજ સતળાય એટલે ઝીણું સમારેલું ટમેટું ઉમેરો અને તે સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.
- હવે મસાલા ઉમેરો હળદર, ધાણાજીરું, લાલ મરચું પાવડર અને ગ્રેવી જેટલું મીઠું ઉમેરી સ્લો-મીડિયમ ફ્લેમ પર ૨ મિનિટ સાંતળો, જેથી ઘી છૂટું પડી જાય.
- મસાલા સતળાય એટલે તેમાં ૧/૨ થી ૧ કપ જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.
- પાણી ઉકળે એટલે તેમાં નાનો ટુકડો ગોળ ઉમેરી મિક્સ કરો.
ખીચડી મિક્સ કરવી
ઉકળતી ગ્રેવીમાં બાફેલી ખીચડી ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લો.
ખીચડીને ઢાંકીને ૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે થવા દો જેથી બધા મસાલા ભળી જાય.
ઉપરથી થોડું ઘી અને લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો.
વઘાર
- વઘારિયામાં ૩ થી ૪ ચમચી ઘી ગરમ કરો.
- ઘી ગરમ થાય એટલે જીરું, હિંગ અને ૧૫-૨૦ મીઠા લીમડાના પાન ઉમેરો.
- ગેસ બંધ કરીને ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરો જો લસણ ખાતા હોવ તો મરચું ઉમેરતા પહેલા ઝીણું લસણ સાંતળી લેવું.
- આ ગરમાગરમ વઘારને સર્વિંગ પ્લેટમાં કાઢેલી ખીચડીની ઉપર રેડો.
- આ ગરમાગરમ કાઠિયાવાડી વઘારેલી ખીચડીને તમે ઠંડા દહીં, ગુજરાતી કઢી, પાપડ, અથાણું કે સેલડ સાથે સર્વ કરી શકો છો. સાંજ માટે આ એકદમ હળવો અને પૌષ્ટિક આહાર છે!
