Soya Pulao Recipe: આપણે ભલે ગુજરાતી હોઈએ પણ દરેક ઘરમાં લોકોને પંજાબી, સાઉથ ઈન્ડિયન અને મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ દાઢે વળગેલો જ હોય છે. તેમાંય જમવામાં તો ગુજરાતીને કોઈ પહોંચી જ ન શકે. તેથી જ બાળકોથી લઈને મોટેરાઓને પણ અલગ અલગ વાનગીઓ જમવાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક ખાસ વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. જેનું નામ છે સોયા પુલાવ, પુલાવ તો તમે ઘણી વખત ખાધો હશે, પણ તેમાં અલગ અલગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? તો ચાલો જાણીએ આ પુલાવ બનાવવાની રીત…
સોયા પુલાવ બનાવવા માટે સામગ્રી
- 1 કપ સોયા
- 1 કપ બાસમતી ચોખા લાંબા
- 1 કપ ગાજર (ઝીણા સમારેલા)
- 1 કપ વટાણા
- 1 કપ બટાટા (ઝીણા સમારેલા)
- 1 ડુંગળી
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- અડધી ચમચી જીરુ
- એક ચમચી ગરમ મસાલો
- બે ચમચી લાલ મરચુ પાવડર
- 8થી 10 કાળા મરી
- કોથમીર
- 2 મોટી એલાયચી
- 4 લવિંગ
- બે-ત્રણ તજના પત્તા
- મીઠું સ્વાદઅનુસાર
- થોડું તેલ
- 2 ચમચી દેશી ઘી
આ રીતે કરો તૈયાર
- સૌપ્રથમ સોયા અને ચોખાને અલગ-અલગ બાઉલમાં 15થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી દો. અને બધા શાકભાજી, આદુ-લસણની પેસ્ટ તૈયાર કરો લો.
- હવે સોયા અને ચોખાનું પાણી કાઢી નાખો. ત્યારબાદ એક કુકર લો તેમાં ઘી અને તેલ ઉમેરો, સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં જીરુ,કાળા મરી, એલાયચી, લવિગ, તજના પત્તા, લાલ મરચું નાખો.
- ત્યારબાદ લસણ-આદુની પેસ્ટ અને ડુંગળી નાખો. હવે ડુંગળી ભૂરા રંગની થઈ જાય એટલે તેમાં સોયા અને સમારેલ બટાટા તથા શાકભાજી નાખો. તમામ વસ્તુઓને ધીમાં આંચે હલાવતા રહો.
- થોડીવાર બાદ તેમાં ચોખા નાખો. તેને 30 સેકન્ડ સુધી હલાવતા રહો. ત્યારબાદ ચોખામાં મીઠું અને ગરમ મસાલો નાખો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દેશી ઘી નાખો.
- હવે તેમાં જરૂરીયાત મુજબ પાણી નાખો અને કુંકરને બંધ કરી દો. બે સીટી થયા પછી ગેસને બંધ કરી દો. તો તૈયાર છે સોયા પુલાવ.
