Diwali Special Mathiya Recipe: દિવળીનો સ્પેશિયલ નાસ્તો એટલે મઠિયા, નોંધી લો રેસિપી

દિવાળી પર મઠિયા બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળશે. મઠિયાને દિવાલીના સ્પેશિયલ નાસ્તા તરીકે પણ ગણવામાં આવે છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sun, 05 Oct 2025 05:58 PM (IST)Updated: Sun, 05 Oct 2025 05:58 PM (IST)
diwali-special-mathiya-recipe-in-gujarati

Diwali Special Mathiya Recipe: દિવાળી પર મઠિયા બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળશે. મઠિયાને દિવાલીના સ્પેશિયલ નાસ્તા તરીકે પણ ગણવામાં આવે છે. આજે ઘરે મઠિયા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં તમને જણાવશે.

મઠિયા બનાવવાની જરૂરી સામગ્રી

  • મઠિયા બનાવવા માટે 250 ગ્રામ મઠિયાનો લોટ લેવામાં આવે છે. આ લોટ બજારમાં તૈયાર મળે છે, પરંતુ જો તેને ઘરે દળવાનો હોય તો, 200 ગ્રામ મઠ સાથે 50 ગ્રામ અડદનો લોટ લેવો.
  • પાણીનું માપ 250 ગ્રામ લોટના હિસાબે 100 મિલી લેવાનું છે.
  • પાપડનો ખારો: 1 ચમચી.
  • મીઠું: 1 ચમચી (અથવા સ્વાદ અનુસાર).
  • ખાંડ: પા કપ ભરીને (જેને માપવામાં આવે તો પાંચ મોટી ચમચી થાય.
  • ઘી: 1 ચમચી.
  • લીલું મરચું 1.
  • અજમો: અધી ચમચી ભરીને (હાથ વડે ક્રશ કરીને ઉપયોગ કરવો).
  • તેલ (લોટમાં મિક્સ કરવા માટે): ૨ ચમચી ભરીને.
  • કોરો લોટ (અલગ કાઢેલો): ૨ ચમચી.
  • તેલ: મઠિયા તળવા માટે.

મઠિયા બનાવવાની રીત

પાણીનું મિશ્રણ અને ઘી ઉમેરવું

સૌ પ્રથમ, એક તપેલીમાં 100 મિલી પાણી લો. તેમાં 1 ચમચી પાપડનો ખારો, 1 ચમચી મીઠું (સ્વાદ મુજબ) અને પા કપ ખાંડ ઉમેરો. ગેસ ચાલુ કરીને પાણીને ગરમ કરવા મૂકો. પાણીને વધારે ઉકાળવાનું નથી. માત્ર ખાંડ અને મીઠું સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી જ પાણીને ગરમ કરવાનું છે. આ મિશ્રણમાં 1 ચમચી ભરીને ઘી ઉમેરી દેવાનું. ઘી ઉમેરવાથી મઠિયા ખૂબ ફરસા બને છે. ઘી ઉમેર્યા પછી ગેસ બંધ કરી દેવાનો.

લોટ તૈયાર કરવો

250 ગ્રામ મઠિયાનો લોટ લો. તેમાંથી 2 ચમચી કોરો લોટ અલગ કાઢી લેવાનો. મુખ્ય લોટમાં 1 ચમચી મરચું (અથવા લીલા મરચાં) અને અધી ચમચી અજમો હાથથી ક્રશ કરીને મિક્સ કરો. હવે તેમાં 2 ચમચી ભરીને તેલ ઉમેરો. હાથ વડે આ બધું સારી રીતે મિક્સ કરી લો.

લોટ બાંધવો

હવે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું, તે હુંફાળું થઈ ગયું હશે. આ હુંફાળું પાણી થોડું થોડું મિક્સ કરતા જઈને લોટ બાંધવાનો. પાણી ક્યારેય એકસાથે નથી લેવાનું. લોટને કણકણક બાંધવાનો છે. જો લોટ ઢીલો રાખવામાં આવે તો મઠિયા જ્યારે ફ્રિજમાં સ્ટોર કરશો, ત્યારે એકબીજા સાથે ચોંટી જશે અને બટર પેપર મૂકવો પડી શકે છે. મઠિયાનો લોટ ચીકણો હોવાથી તે હાથ સાથે ચોંટી જાય છે, તેથી તેને ચમચી વડે ઉખાડી લેવો. લોટ બંધાઈ ગયા પછી તેને ઢાંકીને 10 થી 15 મિનિટનો આરામ આપો.

લોટને ટીપવો

10-15 મિનિટ પછી, લોટને દસ્તા વડે ટીપીને સ્મૂથ કરવાનો છે. જો લોટ ઓછો હોય તો પ્લેટફોર્મ પર, અને જો વધારે હોય તો રસોડાની ટાઇલ્સ પર કે બાલ્કનીમાં ટીપી શકાય છે. નીચે અને દસ્તા ઉપર તેલ લગાવી દેવાનું. બંને બાજુ ફેરવીને અને લોટને મસળતા જઈને 10 થી 15 મિનિટ સુધી ટીપવાની પ્રક્રિયા કરવી. જેટલો વધારે ટીપશો, એટલા મઠિયા સોફ્ટ બનશે.

લોટ ખેંચવો અને લુવા બનાવવા

પાપડના લોટની જેમ જ, આ લોટને પણ ખેંચવાનો. લોટ ન તૂટે ત્યાં સુધી તેને ખેંચવાનો છે. આ પ્રક્રિયા સોફ્ટ મઠિયા બનાવવા માટે ખૂબ જરૂરી છે. ખેંચવાથી લોટ સોફ્ટ થઈ જશે. લોટને વાળીને લાંબો રોલ બનાવી દેવાનો. તેના બે ભાગ કરીને એક ભાગ લઈ લેવો અને તેને ગોળ રોલ વાળી દેવાનો. હવે તેમાંથી પૂરી જેવડી સાઇઝના નાના લુવા છરી વડે કાપી લેવા.

લુવાને તૈયાર કરવા અને વણવા

હાથથી દબાવીને લુવાને પૂરીની જેમ ગોળ કરી દેવા. તેમાં ૨ ચમચી તેલ ઉમેરીને અલગ રાખેલો કોરો લોટ છાંટી દેવાનો. બધા લુવાને આ લોટથી સારી રીતે કોટ કરી દેવા (આમ કરવાથી લુવા એકબીજાને ચોંટશે નહીં અને મઠિયા વણવામાં સરળતા રહેશે).

મઠિયા વણવા માટે પ્લાસ્ટિકની પાટલીનો ઉપયોગ કરવો, લાકડાની પાટલીનો ઉપયોગ કરવો નહીં. મઠિયાને પૂરી કરતાં એકદમ પાતળા વણવાના. વણતી વખતે શરૂઆતમાં એક-બે વાર મઠિયાને ઉચકીને પાછો ફેરવવાનો, પછી પાટલીને ફેરવતા જઈને વણવાનું. જો તે પાટલી પર ચોંટે તેવું લાગે તો થોડું તેલ લઈ શકાય.

સૂકવવા અને તળવા

વણેલા મઠિયાને એક કપડા (કાપડી) પર એવી જગ્યાએ સૂકવવા મૂકવા જ્યાં હવાની અવરજવર થતી હોય, અથવા ધીમો પંખો ચાલુ કરી દેવાનો. એક તરફ થોડા સુકાઈ જાય પછી તેને પલટાવી દેવાના. 15થી 20 મિનિટ પછી મઠિયા તળવા માટે તૈયાર થઈ જાય છે.

તેલ થોડું વધારે ગરમ લેવાનું. એક એક મઠિયું મૂકતા જઈને, ચીપિયા વડે ફેરવીને બંને બાજુ સરસ રીતે તળી લેવાના. મઠિયાને તળાતા બિલકુલ વાર નથી લાગતી, 10 થી 15 સેકન્ડમાં તે તળાઈ જાય છે. જો લાલ પડતા મઠિયા ગમતા હોય તો ૫ સેકન્ડ વધારે તળવાના. બધા મઠિયા તળીને એરટાઇટ ડબ્બામાં ભરી લેવા.