Pani Puri Recipe: શેરીના નાકે પાણીપુરીની લારી હોય અને ત્યાં લોકોની ભીડ ન હોય એવું ભાગ્યે જ જોવા મળે. નાની-નાની કરકરી પુરીમાં બટાકાનો મસાલો ભરીને તેમાં ખાટું-મીઠું અને તીખું પાણી નાખીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બાળકો હોય કે મોટા, પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. જો તમને પણ પાણીપુરી ખાવાનો શોખ છે, તો હવે બહાર જવાની જરૂર નથી. તમે ઘરે જ બજાર જેવી સ્વાદિષ્ટ પાણીપુરી બનાવી શકો છો. ચાલો જાણીએ તેની સંપૂર્ણ રેસીપી.
પાણીપુરીની પુરી બનાવવાની સામગ્રી
આ પણ વાંચો
- ઝીણી રવો – 1 કપ
- મેંદો – 2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- ગરમ પાણી – જરૂર મુજબ
- તેલ – તળવા માટે
પાણીપુરીની કરકરી પુરી બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં રવો, મેંદો અને મીઠું મિક્સ કરો. હવે તેમાં થોડું-થોડું ગરમ પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. લોટને ભીના કપડાથી ઢાંકીને 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ લોટને ફરીથી મસળીને તેની પાતળી રોટલી વણી લો. નાની વાટકી કે કટરથી ગોળ પુરીઓ કાપી લો. એક કડાઈમાં તેલ ગરમ કરીને મધ્યમ તાપે પુરીઓ તળી લો. પુરીઓ ફૂલીને કરકરી થાય એટલે બહાર કાઢી લો અને ઠંડી થવા દો.
બટાકાનો મસાલો બનાવવાની સામગ્રી
- બાફેલા બટાકા – 3
- બાફેલા કાળા ચણા – અડધો કપ
- ઝીણી સમારેલી ડુંગળી – 1
- મીઠું – સ્વાદ મુજબ
- લાલ મરચું પાવડર – અડધી ચમચી
- ચાટ મસાલો – 1 ચમચી
- લીલા ધાણા – 2 ચમચી
પાણીપુરીનો બટાકાનો મસાલો બનાવવાની રીત
સૌપ્રથમ બાફેલા બટાકાની છાલ ઉતારીને તેને એક વાસણમાં બરાબર મેશ કરી લો. હવે તેમાં બાફેલા કાળા ચણા અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને લીલા ધાણા નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે પાણીપુરીમાં ભરવા માટેનો ચટાકેદાર બટાકાનો મસાલો.
પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટેની સામગ્રી
- ફુદીનાનાં પાન – 1 કપ
- લીલા ધાણા – અડધો કપ
- લીલાં મરચાં – 2થી 3
- આદુ – 1 નાનો ટુકડો
- આમલીનો પલ્પ – 2 ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
- શેકેલું જીરું પાવડર – 1 ચમચી
- સંચળ – અડધી ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- ઠંડું પાણી – 4 કપ
પાણીપુરીનું ચટાકેદાર પાણી બનાવવાની રીત
સૌપ્રથમ મિક્સર જારમાં ફુદીનાનાં પાન, લીલા ધાણા, લીલાં મરચાં અને આદુ ઉમેરો. તેમાં થોડું પાણી નાખીને બારીક પેસ્ટ બનાવી લો. હવે એક મોટા વાસણમાં આ પેસ્ટ કાઢો. તેમાં આમલીનો પલ્પ, લીંબુનો રસ, શેકેલું જીરું પાવડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ઠંડું પાણી નાખીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો. પાણીનો સ્વાદ ચાખીને જરૂર મુજબ મીઠું, લીંબુ કે આમલી ઉમેરી શકો છો. તૈયાર છે પાણીપુરી માટેનું તીખું અને ખાટું પાણી. તેને થોડીવાર ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ વધુ સારો આવે છે.
પાણીપુરીની મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી
- આમલી – ½ કપ
- ગોળ – ½ કપ
- ખજૂર – 5થી 6 નંગ
- શેકેલું જીરું પાવડર – ½ ચમચી
- લાલ મરચું પાવડર – ¼ ચમચી
- સંચળ – ½ ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- પાણી – જરૂર મુજબ
મીઠી ચટણી બનાવવાની રીત
સૌપ્રથમ આમલીને ગરમ પાણીમાં 15થી 20 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેને મસળીને તેનો પલ્પ ગાળી લો. હવે એક કડાઈમાં આમલીનો પલ્પ, ગોળ અને સમારેલા ખજૂર ઉમેરો. તેમાં થોડું પાણી નાખીને ધીમા તાપે ગોળ ઓગળે અને ખજૂર નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં શેકેલું જીરું પાવડર, લાલ મરચું પાવડર, સંચળ અને મીઠું ઉમેરો. ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડી થવા દો. તૈયાર છે પાણીપુરી માટેની ખાટી-મીઠી ચટણી.
પાણીપુરી કેવી રીતે સર્વ કરવી?
સૌપ્રથમ તૈયાર કરેલી કરકરી પુરી લો અને વચ્ચે નાનું કાણું પાડો. તેમાં બટાકા અને ચણાનો મસાલો ભરો. ત્યારબાદ તેમાં થોડી મીઠી ચટણી ઉમેરો અને ઉપરથી ઠંડું તીખું પાણી ભરો. હવે તરત જ પાણીપુરી ખાવા માટે તૈયાર છે. તેને બનાવ્યા પછી તરત જ ખાવી જોઈએ, જેથી પુરીનો કરકરો સ્વાદ જળવાઈ રહે.
