broccoli soup recipe: શિયાળાની સીઝનમાં બજારમાં લીલાં શાકભાજીની સારી આવક જોવા મળે છે. આ સીઝનમાં બ્રોકોલી પણ સરળતાથી મળી રહે છે. બ્રોકોલીમાં ફાઇબર, વિટામિન C અને અન્ય પોષક તત્વો હોય છે. જો તમને શિયાળામાં કંઈક ગરમાગરમ અને હેલ્ધી પીવાનું મન થાય તો બ્રોકોલી સૂપ એક સારો વિકલ્પ છે. તેને ઘરે જ કેટલીક સામાન્ય સામગ્રીની મદદથી સરળતાથી બનાવી શકાય છે.
બ્રોકોલી સૂપ બનાવવા માટેની સામગ્રી
- બ્રોકોલી – 1 નાની
- ડુંગળી – 1 સમારેલી
- લસણ – 4થી 5 કળી
- દૂધ – અડધો કપ
- માખણ – 1 ચમચી
- કાળા મરી પાઉડર – અડધી ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- પાણી અથવા વેજિટેબલ સ્ટોક – 1 કપ
- ફ્રેશ ક્રીમ – 2 ચમચી (વૈકલ્પિક)
બ્રોકોલી સૂપ બનાવવાની રીત
સૌથી પહેલાં બ્રોકોલીને નાના-નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી 2થી 3 વાર બરાબર ધોઈ લો, જેથી તેના પર લાગેલી ધૂળ કે ગંદકી દૂર થઈ જાય. હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં બ્રોકોલીના ટુકડા નાખીને 4થી 5 મિનિટ સુધી બાફી લો. ધ્યાન રાખો કે બ્રોકોલી વધારે ન બફાય, જેથી તેનો લીલો રંગ અને પોષક તત્વો જળવાઈ રહે.
હવે એક કડાઈ અથવા પેનમાં માખણ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી અને લસણ નાખીને ધીમા તાપે સાંતળો. ડુંગળી નરમ અને થોડી પારદર્શક થાય એટલે તેમાં બાફેલી બ્રોકોલી ઉમેરી દો. બંનેને બરાબર મિક્સ કરીને 2થી 3 મિનિટ સુધી પકાવો. આ દરમિયાન બ્રોકોલીમાં ડુંગળી અને લસણનો સ્વાદ સારી રીતે ભળી જશે.
ત્યારબાદ ગેસ બંધ કરીને આ મિશ્રણને થોડું ઠંડું થવા દો. હવે તેને મિક્સર જારમાં નાખીને જરૂર મુજબ થોડું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી લો. જો તમને સૂપ એકદમ ક્રીમી અને સ્મૂધ પસંદ હોય તો પેસ્ટને ગાળી પણ શકો છો. જોકે થોડું ટેક્સચર રાખવું હોય તો તેને ગાળવાની જરૂર નથી.
હવે ફરીથી એક પેનમાં તૈયાર કરેલી બ્રોકોલીની પેસ્ટ નાખો. તેમાં એક કપ પાણી અથવા વેજિટેબલ સ્ટોક ઉમેરીને બરાબર મિક્સ કરો. સૂપને મધ્યમ તાપે 3થી 4 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં અડધો કપ દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી દૂધ બરાબર ભળી જાય અને સૂપ તળિયે ચોંટે નહીં.
હવે સ્વાદ અનુસાર મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરો. જો તમને થોડો તીખો સ્વાદ પસંદ હોય તો તેમાં ચપટી ચિલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. સૂપ વધારે ઘટ્ટ લાગે તો થોડું ગરમ પાણી ઉમેરો અને પાતળું લાગે તો થોડી વાર ધીમા તાપે પકાવો.
છેલ્લે ગેસ બંધ કરીને તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો અને બરાબર મિક્સ કરો. તૈયાર છે ગરમાગરમ અને ક્રીમી બ્રોકોલી સૂપ. તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી થોડાં બ્રોકોલીના નાના ટુકડા અને કાળા મરી પાઉડર નાખીને ગરમાગરમ પીરસો.
